સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા 8 ગણેશ પંડાલોમાં એક સાથે ચોરી થતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અજાણ્યા બે શખ્સો દ્વારા રાત્રિના સમયે પંડાલોમાં ઘૂસીને પૂજાના સાધનો અને અન્ય કીમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિધરપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવેલા 8 ગણેશ પંડાલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે બે શખ્સો ગણેશ પંડાલમાં પ્રવેશ્યા અને ચાંદીની મૂર્તિ, દીવા, રોકડ અને સાધનોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના બાદ ભક્તોમાં ભારે રોષ અને આશ્ચર્ય ફેલાયું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે. ફૂટેજમાં બે શખ્સો ચોરી કરતા નજરે પડ્યા છે, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો તેજ કર્યા છે. આ ઉપરાંત, પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
ચોરીની ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય કાંતિભાઈ બલર અને સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી અને પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘આવી પવિત્ર જગ્યાએ ચોરી થવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે પોલીસને વિનંતી કરી છે કે તેઓ ઝડપથી આરોપીઓને પકડી પાડી કડકમાં કડક સજા આપે.’ ગણેશ ઉત્સવ જેવા પવિત્ર તહેવાર દરમિયાન આ પ્રકારની ચોરી થતાં સ્થાનિક લોકોમાં ભય અને રોષનું વાતાવરણ છે. ભક્તોએ પોલીસને આ મામલે ગંભીરતાથી તપાસ કરવા અને ચોરી થયેલા પૂજાના સાધનો પાછા મેળવવા માટે અપીલ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.