2050 સુધી ગુજરાતમાં કૉંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી
કૉંગ્રેસે ચિંતન નહીં ચિંતા કરવાની જરૂર : હાર્દિક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાટીદાર અનામત આંદોલનથી ઊભરેલા હાર્દિક પટેલે માત્ર 1161 દિવસમાં જ કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં કૉંગ્રેસનું 2050 સુધી કોઈ ભવિષ્ય નથી તેમજ રામમંદિર માટે ઈંટો મોકલવી, ગછઈ-ઈઅઅને આવકાર, મસ્જિદોમાંથી મંદિર નીકળવા જેવા ભાજપના મુદ્દાઓને ઉઠાવ્યા છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે કૉંગ્રેસમાં મને બે વર્ષ સુધી કાર્યકારી તરીકે કોઈ જવાબદારી નથી સોંપાઈ. ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. લોકો માટે નિષ્ઠાપૂર્વક આંદોલન કર્યું છે. કૉંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કૉંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કૉંગ્રેસમાંથી હટાવી દેવાયા હતા. જ્યારે જ્યારે કૉંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.
હાર્દિક પટેલનાં રાજીનામાનો પત્ર કમલમમાંથી લખાયો?
હાર્દિક પટેલની પ્રેસ-કોન્ફરન્સ બાદ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાર્દિક પટેલને જવાબ અપાશે. હાર્દિક પટેલ સમાજનો સારો ચહેરો બન્યો હતો. હાર્દિકનો રાજીનામાનો પત્ર કમલમમાંથી લખાયો હતો. મૂળ મુદ્દો એ હતો કે હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસ ચાલતા હતા. તે જેલમાં ના જાય એ માટે પ્રયાસો હતા. નરેશભાઈ સાથે માત્ર ચા-પાણી કરવાનો કાર્યક્રમ હતો. નરેશભાઈને કૉંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. હાર્દિક બધાને ફોન કરીને કહે છે કે મારી સાથે આવો, કોઈ આવ્યા નહીં. હાર્દિક પટેલ અને તમામ ભાષા કમલમમાંથી આવી રહી છે.
કૉંગ્રેસ નેતાએ કહ્યું, નરેશ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત
- Advertisement -
નરેશ પટેલ સાથે કૉંગ્રેસ નેતાઓની બેઠક નિષ્ફળ
કૉંગ્રેસમાંથી ગઈકાલે હાર્દિક પટેલે રાજીનામું આપ્યા બાદ કૉંગ્રેસનાં દિગ્ગજ નેતાઓએ નરેશ પટેલનો સંપર્ક સાધી તેઓને કૉંગ્રેસમાં જોડાવવા મહેનત શરૂ કરી દીધી છે. રાજકોટના હેમુગઢવી હોલ ખાતે આજે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી મળનાર છે. એ પૂર્વે કૉંગ્રેસના 5 દિગ્ગ્જ નેતાઓએ નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. પરંતુ આ મુલાકતમાં સંતોષકારક જવાબ ન મળતા કોંગી નેતા નારાજ થયા હોય તેવું સામે આવ્યું છે. આ અંગે કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે લૂલો બચાવ કરતા મીડિયાને જણાવ્યું હતું કે,’નરેશ પટેલ સાથે માત્ર ચા પાણી પીવા આવ્યા હતા અને આ એક શુભેચ્છા મુલાકાત હતી. પાર્ટીની કોઈ ચર્ચા થઈ નથી.
નરેશ પટેલ અને 5 કોંગી નેતાઓ વચ્ચે માત્ર 10 મિનિટની બેઠક!
આજે નરેશ પટેલના રાજકોટ સ્થિત ફાર્મ હાઉસ ખાતે કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગી નેતા પરેશ ધાનાણી, ખકઅ લલિત વસોયા, ખકઅ લલિત કગથરા અને પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પહોંચ્યાં હતા. માત્ર 10 મિનિટની બેઠક બાદ કોંગી આગેવાનો તાબડતોબ રવાના થયા હતા. જેથી એવી ચર્ચા ઉઠી હતી કે ખોડલધામ ‘નરેશ’ તરફથી સંતોષકારક જવાબ ન મળતાં કોંગી નેતા નારાજ થઈને જતા રહ્યા હતા. જયારે કોંગી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અમે આજે પટેલ સમાજના મોભીને મળવા આવ્યા હતા. નરેશભાઈ અમારા વડીલ છે.અમે સામાજિક આગેવાન આજે ચા-પાણી નાસ્તો કરવા આવ્યા હતા. સારા લોકો કોંગ્રેસમાં આવે તેવું અમે ઇચ્છીએ છીએ.
નરેશ પટેલ કૉંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતાં: રઘુ શર્મા
ખોડલધામમાં નરેશ પટેલ સાથેની મુલાકાત બાદ હાર્દિક પટેલે કૉંગ્રેસ છોડવાનું મન બનાવી લીધું હતું
ખાસ-ખબર સંવાદદાતા
હાર્દિક પટેલના રાજીનામાને લઇને કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કહ્યું કે, હાર્દિક પટેલે પહેલાથી જ મન બનવી લીધું. નરેશ પટેલ સાથે વાત શરૂ થયા બાદથી હાર્દિક નારાજ છે. હાર્દિક પટેલે નરેશ પટેલ સાથે બેઠક કરી તે અંગે મોટો ખુલાસો કરી શકે છે. નરેશ પટેલ કૉંગ્રેસમાં આવશે તે નક્કી કરવા હાર્દિક પટેલ ખોડલધામ ગયા હતા. ખોડલધામ પછીની મુલાકાત બાદ હાર્દિક પટેલે કૉંગ્રેસ છોડવાનું નક્કી કર્યું. નરેશ પટેલ કૉંગ્રેસમાં આવશે તેવી ચર્ચા ટોક ઓફ ટાઉન બની હતી. હાર્દિકને ડર હતો કે મારૂ રાજકારણ પુરૂ થઇ ગયું. હાર્દિક પટેલે મન બનાવી લીધું હતું. અને છેલ્લા 6 મહિનાથી હાર્દિક ભાજપના સંપર્કમાં હતા. તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મહત્વનું છે કે, આવતીકાલથી રઘુ શર્મા 4 દિવસની ગુજરાત મુલાકાતે આવશે. કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા નરેશ પટેલ સાથે મુલાકાત કરશે. હાર્દિકના જવાથી કૉંગ્રેસને થનારા નુકશાન સરભર કરવા કવાયત હાથ ધરશે. હાર્દિક પટેલના ગયા બાદ નરેશ પટેલને કૉંગ્રેસમાં લાવવા પ્રયાસો તેજ કરાશે.
હાર્દિક ભાજપમાં અને નરેશ કૉંગ્રેસમાં જશે તો પાટીદાર મતોમાં ભાગલાં પડી શકે
નરેશ પટેલ સાથેની બેઠક બાદ બે દિવસમાં તો હાર્દિકના રંગ રૂપ બદલાઈ ગયા હતા. હાર્દિકના રાજીનામાં બાદ જો હાર્દિક ભાજપમાં જાય અને નરેશ પટેલ કોગ્રેસમા જોડાય તો ગુજરાતની રાજનીતિમાં નવા સમિકરણો રચાય શકે તેમ છે. જેમાં આગામી ચુંટણીમાં લઉવા અને કડવા પટેલના મત વેચાઈ શકે છે. કારણ કે હાર્દિક પટેલ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કડવા પટેલની વસ્તી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને સુરતમાં લઉવા પટેલની વસ્તી વધારે છે. હાર્દિક ભાજપમાં જોડાય તો ઉત્તર ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ શકે. પરંતુ જો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં કોગ્રેસને ફાયદો થાય તેવી શક્યતાઓ રહેલી છે જેની પાછળ કારણ એ છે કે, હાર્દિકનું વર્ચસ્વ ઘટી જવાના અણસાર રહે છે. આમ જો હાર્દિક અને નરેશ પટેલ એકબીજાની વિરુદ્ધમાં જાય તો સ્વાભાવિક રીતે પાટીદાર મતોમાં પણ ભાગલા પડી શકે તેમ છે. હાર્દિક જાય છે તે વાત લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. પરંતુ નરેશ પટેલ કોગ્રેસમાં જાય છે કે, નહીં તે વાત હજુ સ્પષ્ટ થઈ નથી. તેવામાં જોવાનું એ રહ્યું કે, એક મંચ નીચે આવવાની વાતો કરતા લેઉવા અને કડવા પાટીદારોમાં ફરી હાર્દિક અને નરેશ પટેલના કારણે ભાગલા પડે છે કે નહીં.
નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગુજરાત પ્રવાસ પહેલાં હાર્દિકને ભાજપમાં પ્રવેશ મળી જશે
હાર્દિક ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત કૉંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં જોડાવવા માટેની ચાલી રહેલી અટકળો વચ્ચે હાર્દિક પટેલ 10 હજારથી વધુ સમર્થકો સાથે 28મીએ ભાજપ-પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત આવે એ પહેલાં ભાજપનો ખેસ પહેરે એવી શક્યતા છે. એટલું જ નહીં, જાહેરમાં ભાજપની માફી માગે એવી પણ અટકળો પણ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલના કૉંગ્રેસમાંથી રાજીનામાં બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. બીજી તરફ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાય છે એ વાત પણ લગભગ નક્કી છે. એટલું જ નહી નરેશ પટેલની કૉંગ્રેસમાં એન્ટ્રીને લઈને હાર્દિક પટેલે કૉંગ્રેસથી છેડો ફાળ્યો છે. આવું કૉંગ્રેસના જ નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું. હાર્દિક અને નરેશ પટેલ સામ-સામે આવી જાય તો રાજકીય ઉથલ-પાથલ થઈ શકે તેમ છે.