હોળી એ ભારત દેશમાં વર્ષોથી ઉજવાતો કલર અને કેસુડાનો તહેવાર છે. હોળીનો તહેવાર આવે ત્યારે વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ હોય છે અને વસંત ઋતુમાં મોટેભાગે વાયુ અને કફ વધારે જોવા મળે છે. આ ઉપરાંત આ ઋતુ એ બે ઋતુની સંધિના સમયે આવે છે એટલે કે ડબલ સીઝન શિયાળો અને ઉનાળો. અને જ્યારે-જ્યારે ડબલ સીઝન થાય છે ત્યારે માંદગીનું પ્રમાણ વધારે જોવા મળે છે. માટે જ આપણી સંસ્કૃતિ એ દરેક તહેવારોને અને તેની ઉજવણીને આપણા ખોરાક અને આરોગ્ય સાથે જોડી દીધા છે.
પૂજા કગથરા
– કન્સલટન્ટ ડાયેટિશિયન
શા માટે હોળીમાં ખજૂર, દાળીયા, ધાણી, ઠંડાઈ, ટોપરુ અને ઘુઘરી?
આ દરેક ખોરાક એ ઈમ્યુનીટી બુસ્ટીંગ ખોરાક તો છે જ સાથે-સાથે શરીરને અંદરથી ગરમાવો આપે છે જે આ ડબલ સીઝનમાં શરીરને કફથી ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે.
- Advertisement -
(1) ખજૂર : શરીરને ગરમી આપે છે જે કફ અને વાયુ માટે ઉત્તમ છે. દર 100 લળ ખજૂરમાં 277 કેલરી, 75 લળ કાબ્સ, 7 લળ ફાઈબર, 2 લળ પ્રોટીન, 0.15 લળ ફેટ, 5% જેટલું આયર્ન તથા 6.5% જેટલું કેલ્શીયમ રહેલું છે. ખજૂર એ ગરમ ખોરાકનું ઉત્તમ ઉદાહરણ છે. તે ઘણી વાનગીઓમાં અને પીણામાં સ્વીટનર તરીકે ઉપયોગી છે. ખજૂર એ હાડકાંની મજબૂતાઈ માટે, હૃદયના સારા આરોગ્ય માટે, એનર્જી બુસ્ટીંગ તરીકે, વજન વધારવા માટે, પાચન સારુ કરવા માટે, સારી સ્કીન માટે ખૂબ ઉપયોગી છે. દરરોજની 7થી 8 ખજૂર શીયાળામાં ઉત્તમ ખોરાક છે.
(2) દાળીયા : દાળીયા વિટામીન, મીનરલ્સ અને ફાઈબરનો રીચ સ્તોત્ર છે. દાળીયા એ મધ્યમ કેલરી તથા ઓછુ કાર્બોહાઈડ્રેટ ધરાવે છે માટે વજન ઘટાડવા માટે પણ ઉત્તમ ખોરાક છે. તેમાં રહેલા પ્રોટીન અને કેલરીને લીધે ભૂખ ઓછી લાગે છે. દાળીયામાં રહેલા ગુણધર્મને લીધે શરીરમાં બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. હાર્ટ માટે ઉત્તમ આહાર છે. આ ઉપરાંત દાળીયા એ ઈમ્યુનીટી બુસ્ટ કરતુ અને બધે સરળતાથી મળતું ફુડ છે.
(3) સુકુ ટોપરુ : આપણે ત્યાં હોળીમાં નાળીયેર હોમવાની પ્રથા રહેલી છે. સુકુ ટોપરું, નાળીયેર, લીલા ત્રોફા, કોકોનટ વોટર, કોકોનટ મીલ્ક આ દરેક નાળીયેરના અલગ-અલગ સ્વરૂપો છે અને નાળીયેર દરેક રીતે ખૂબ ઉપયોગી છે. તે શરીરને ગરમી અને હુંફ આપે છે. સુકી ત્વચાને ઓઈલી બનાવે છે. સામાન્ય રીતે આ ઋતુમાં ત્વચા ખૂબ શુષ્ક બની જતી હોય છે ત્યારે ત્વચાને ઓઈલી રાખવા માટે ટોપરુ ખૂબ ઉપયોગી છે. કોકોનટ વોટર એ પોટેશીયમથી ભરપૂર છે તેથી એનર્જી ડ્રીંક તરીકે તથા શરૂ થયેલી ગરમીને પહોંચી વળવા અને શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે અત્યંત ઉપયોગી છે. આ ઉપરાંત સુકુ ટોપરું એ વાયુ અને કફનું દમન કરે છે.
- Advertisement -
(4) ધાણી : ધાણી એ જુવારમાંથી બનેલી હોય છે અને જુવાર એ વિશ્ર્વનાં ટોચના પાંચ સ્વસ્થ અનાજમાં સ્થાન પામે છે. તેમાં રહેલું નત્રીલ દ્રવ્યમાં અસંખ્ય સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. તેમાં 48% જેટલું ફાઈબર રહેલું છે જે પાચન સુધારે છે.
– મુક્ત રેડીકલ્સ સામે લડે છે.
– બ્લડસુગર કંટ્રોલ કરે છે.
– રોગ પ્રતીકારક શક્તિમાં વધારો કરે છે.
તે ગ્લુટેન ફ્રી હોય છે માટે આ ઋતુમાં જુવાર અને ધાણી એ શ્રેષ્ઠ ખોરાક છે.
(5) ઘુઘરી : હોળીમાં જ્યારે હોળીને પ્રગટાવવામાં આવે છે ત્યારે હોળીમાં છાણાની વચ્ચે ઘઉં અને ચણા ભરેલું માટલુ રાખવામાં આવે છે અને આ બાફેલા ચણા અને ઘઉં એટલે ઘુઘરી. આ ઘુઘરીનું સંસ્કૃતિની દ્રષ્ટિએ તો ખૂબ મહત્ત્વ છે જ સાથે-સાથે તે શરીર માટે ખૂબ ઉપયોગી છે. ગાયના છાણની આગમાં પાકેલી ઘુઘરી શરીર અને હુંફ આપે છે. એનર્જીનો મોટો સ્ત્રોત છે તથા આયર્ન- પ્રોટીનથી ભરપૂર હોય છે અને તે જ્યારે ગાયના છાણમાં પાકે છે ત્યારે તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
(6) ઠંડાઈ : ઠંડાઈ એટલે મોજીલુ પીણું. તેમાં રહેલ દૂધ, બદામ, કેસર મલાઈ ઠંડાઈમાં કેસર અને વરીયાળી મીક્ષ કરવામાં આવે એટલે તે એન્ટીડીપ્રેસીવ અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપૂર બને છે. તેમાં મરી અને મસાલા ઉમેરવામાં આવે છે જે ઈમ્યુનીટી બુસ્ટ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલ તુલસી તથા મેથી એ પાચન ક્રિયામાં મદદરૂપ છે. ઠંડાઈમાં ખસખસનો ઉપયોગ થાય છે જે ગેસ, એસીડીટી અને કબજીયાતમાં મદદરૂપ છે. ખસખસ ફાઈબર, કેલ્શીયમ, ફેટ અને મીનરલ્સથી ભરપૂર છે.
(7) કલરફૂલ ખોરાક : આપણે હોળીમાં કલરફૂલ ખોરાક જેવા કે દરેક રંગના શાકભાજી, ફળોથી આપણી થાળીને બધા જ ન્યુટ્રીશનોથી ભરપૂર બનાવીએ.
તો આવો આપણે સાથે મળીને આ હોળીને ખૂબ સ્વસ્થ હોળી બનાવીએ. હોળીના કલરની જેમ આપણું જીવન પણ ખુશીઓથી રંગીન બને.