ઓપરેશન સિંદૂર પછી ભારત સરકારે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનનો સાચો ચહેરો વિશ્વને દેખાડવા માટે વિવિધ પ્રતિનિધિમંડળોને વિશ્વ પ્રવાસ પર મોકલ્યા છે. અત્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ કોલંબિયાના પ્રવાસે ગયેલ છે. મહત્વની વાત એ છે કે, કોલંબિયા સરકારે પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી હતી, જેના પર શશી થરૂરે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, અત્યારે કોલંબિયા સરકાર દ્વારા પોતાનું નિવેદન પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી અમે થોડા નિરાશ છીએઃ થરૂર
કોલંબિયા સરકારને શશી થરૂરે કહ્યું હતું કે, ‘આતંકવાદના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાને બદલે, ભારતીય હુમલાઓ પછી પાકિસ્તાનમાં થયેલા જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કરતી કોલંબિયા સરકારની પ્રતિક્રિયાથી અમે થોડા નિરાશ છીએ’. નોંધનીય છે કે, સાંસદ શશી થરૂરની નારાજગી પછી કોલંબિયા સરકારે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું. શશિ થરૂર કોંગ્રેસના સાંસદ હોવા છતાં પણ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં કોલંબિયા ગયા છે અને આતંકવાદ સામે કરેલી કાર્યવાહીમાં ભારતનો પક્ષા રાખી રહ્યાં છે. તેમની દરેક વાત દેશ માટે ગૌરવ અપાવે તેવી છે.
- Advertisement -
અમને હજુ પણ મહાત્મા ગાંધીની ભૂમિ હોવાનો ગર્વઃ શશિ થરૂર
અહીં એક બેઠક દરમિયાન શશિ થરૂરે કહ્યું, ‘અમને હજુ પણ મહાત્મા ગાંધીની ભૂમિ હોવાનો ગર્વ છે. તેમણે અમને અહિંસા અને શાંતિનું મહત્વ શીખવ્યું અને અમારા સ્વતંત્રતા આંદોલનના સંઘર્ષનું નેતૃત્વ પણ કર્યું અને તેમણે અમને અમારી સ્વતંત્રતા અને ભયથી મુક્તિનું રક્ષણ કરવાનું મહત્વ શીખવ્યું. અમે સ્વતંત્ર રહીશું અને અમે ભયમાં જીવીશું નહીં. અમે શક્તિ સાથે જીવીશું અને આ જ અમે ઇચ્છીએ છીએ કે તમે સમજો’. વધુમાં કહ્યું, ‘અમે વિદેશ મંત્રાલયના સભ્યોને મળ્યા, જ્યાં નાયબ મંત્રીએ અમારું સ્વાગત કર્યું. અમારી પાસે કેટલાક સારા સમાચાર છે કે તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે, જેનાથી અમે પહેલા નિરાશ થયા હતા.
કોલંબિયાના નાયબ વિદેશ મંત્રીએ નિવેદન પાછું ખેંચ્યું
આ મામલે શશી થરૂરે કહ્યું કે ‘કોલંબિયાના નાયબ વિદેશ મંત્રી રોઝા યોલાન્ડાએ ખૂબ જ સુંદરતાથી ઉલ્લેખ કર્યો કે અમે ચિંતા વ્યક્ત કર્યા પછી કોલંબિયાએ પાકિસ્તાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું નિવેદન પાછું ખેંચ્યું છે. કોલંબિયા હવે આ સમગ્ર મામલે અમારા વલણને સંપૂર્ણપણે સમજે છે. આ ખરેખર ખૂબ મહત્ત્વનું છે.’
- Advertisement -
પ્રતિનિધિમંડળ મોકલવા પાછળનો હેતુ શું છે?
ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના ઘણા એરબેઝનો નાશ કરવામાં આવ્યો હતો, જેના પછી પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું. આ પછી, પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓનો સંપર્ક કર્યો અને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતાં. યુદ્ધવિરામ પર સંમતિ થઈ ગઈ હતી પરંતુ ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે આગળની વાતચીત ફક્ત પીઓકે અને આતંકવાદના મુદ્દા કરવામાં આવશે, એટલું જ નહીં પરંતુ આતંકવાદ સામે ઓપરેસન સિંદૂર યથાવત રહેશે તેવું પણ સ્પષ્ટ કર્યું હતું. જેથી ભારતીય પ્રતિનિધિમંડળોને સમગ્ર વિશ્વમાં મોકલવા પાછળનો હેતુ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને અલગ પાડવાનો છે.
આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ઘેરવાનો પ્રયાસ યથાવત
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રતિનિધિમંડળ આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આખી દુનિયામાં ઉજાગર કરી રહ્યું છે, જેથી પાકિસ્તાનને વિશ્વના કોઈ દેશનું સમર્થન ન મળે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાનને FATF ની ગ્રે લિસ્ટમાં પાછું મૂકવા માટે પણ ભારત પ્રયત્ન કરી રહ્યું છે. આનાથી પાકિસ્તાનને ભંડોળ મળતું બંધ થશે. ભારત કે, કહ્યું કે, પાકિસ્તાન આ રૂપિયાનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચે છે. સ્વાભાવિક છે કે, આતંકવાદી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાન સૌથી મોખરે આવે છે. કારણ કે, પાકિસ્તાને પોતાના દેશમાં અનેક આતંકવાદીઓને આસરો આપ્યો છે.
અમારી પાસે નક્કર પુરાવા છેઃ થરૂર
પહલગામ હુમલા વિશે વાત કરતા થરૂરે કહ્યું હતું કે, ‘હું પહેલા જ કહી ચુક્યો છું કે, અમારી પાસે નક્કર પુરાવા છે. જ્યારે પહલગામમાં આતંકી હુમલો થયો, તો તેની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ નામના એક આતંકી સંગઠને લીધી હતી. આ સંગઠન પાકિસ્તાનના મુરિદકેમાં લશ્કર-એ-તૈયબાનું જ એક એકમ છે. અમે કોલંબિયામાં અમારા મિત્રોને કહીશું કે, આતંકવાદીઓને મોકલનાર અને તેમના વિરોધ કરનાર વચ્ચે સમાનતા ન હોય શકે. આ પ્રકારનો હુમલો કરનાર અને અને તેનાથી પોતાની સુરક્ષા કરનારને એક ત્રાજવે તોલી ન શકાય. અમે ફક્ત આત્મરક્ષાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છીએ અને તેના પર કોઈ ગેરસમજ છે તો અમે તેને દૂર કરવા તૈયાર છીએ. અમે કોલંબિયા સરકાર પાસે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતની સૈન્ય કાર્યવાહીની વિસ્તૃત જાણકારી આપતા રાજીપો અનુભવીશું.’