બેટિંગ સાઇટ પર બધુ જ જીવન જીવવાની આશા પણ ગુમાવી દીધી છે એટલે આ પગલું ભરું છું : ગાંધીગ્રામ પોલીસે મોબાઈલ ચેક કરતાં થયો ઘટસ્ફોટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઓનલાઇન જુગારનું દુષણ દિવસે ને દિવસે ફેલાઇ રહ્યુ છે ઓનલાઇન ગેમીંગ એપ અને સાઇટ દ્વારા અનેક યુવાનો સટ્ટો રમી મોટી રકમ હારી જતા કોઇ રસ્તો ન મળતા આપઘાતનો માર્ગ અપનાવતા હોય છે ત્યારે રાજકોટમાં પણ ઓનલાઈન ગેમમાં મોટી રકમ હારી જનાર કોલેજિયન યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે પોલીસને યુવકના મોબાઇલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતા ક્રિષ્ના રમાકાંત પંડિતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરીવારજનો ક્રિષ્નાના રૂમમાં પ્રવેશી બોલાવવા જતા ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આ સમયે દેકારો બોલી જતા પાડોશમાં રહેતા નવીનભાઇએ તુરંત 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108ના સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કરતાં ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક ક્રિષ્ના પંડિતના મોબાઇલમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે ઓનલાઇન ચાલી રહેલી ગેમીંગ એપમાં સટ્ટો રમતો હતો અને તેમાં મોટી રકમ હારી જતા કોઇને મોં દેખાડવાને લાયક ન રહેતા પોતે આ પગલું ભરતો હોવાનું પરિવારને સંબોધીને લખ્યુ હતુ.
મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ
હું આપઘાત કરી રહ્યો છું કારણ કે, મેં બધા જ પૈસા ઓનલાઇન ગેમીંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમા ગુમાવી દીધા છે તેમજ અંતિમ પળોમાં પોતાના માતા-પિતાને માફી માંગતા તેમણે લખ્યુ છે કે, સ્ટેક જેવી બેટિંગ સાઇટ પર તેણે બધુ જ ગુમાવી દીધું છે તેમજ જીવન જીવવા માટેની આશા પણ ગુમાવી દીધી છે. મારા આ નિર્ણય માટે કોઇપણ વ્યકિત જવાબદાર નથી. તેનો જવાબદાર માત્રને માત્ર હું જ છું. જુગારનું વ્યસન વ્યકિતને અંદરથી ખાલી કરી દે છે. આ જુગારમાંથી છોડાવવા મિત્રો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ, હું જુગારની લત છોડી શકયો નહોતો અને આ વ્યસન મને ચરમસીમાએ લઇ ગયુ હતું. તેમજ બહેનનો ફોન સમયાંતરે ચેક કરતા રહેજો. તેનું ધ્યાન રાખજો. તે કોઇ ખોટુ પગલું ન ભરે.