ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે અપીલ બોર્ડનું એક જ સેશન યોજવામાં આવ્યું હતું. બીજું સેશન આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા પેન્ડિંગ મહેસુલ કેસોનો નિકાલ કરવા માટે બે સેશનમાં બોર્ડ યોજવામાં આવી રહ્યા છે. જેને પગલે કેસોનો ધડાધડ નિકાલ થઈ રહ્યો છે. આજે બુધવારના રોજ કલેકટર કચેરી ખાતે રાબેતા મુજબ અપીલ બોર્ડ યોજવામાં આવ્યું હતું. પણ બપોર પછી અનિવાર્ય સંજોગોને કારણે બીજા સેશનનું અપીલ બોર્ડ મૂલતવી રાખવામાં આવ્યું છે.
આજે સવારના સેશનમાં યોજાયેલ અપીલ બોર્ડમાં 22 કેસોનું જિલ્લા કલેકટર દ્વારા હિયરીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે બપોર બાદનું સેશન રદ કરી દેવામાં આવ્યું હતું. આ સેશન હવે આવતીકાલે યોજવામાં આવનાર છે.
31 સોસાયટીમાં અશાંતધારો: વધુ 6 વિસ્તારને અશાંતધારામાં આવરી લેવાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા 3 વર્ષ પહેલા પશ્વિમ રાજકોટના અમુક વિસ્તારોને અને દોઢ વર્ષ પહેલા પૂર્વ રાજકોટના 31 વિસ્તારનો ‘અશાંતધારા’ હેઠળ આવરી લીધા બાદ હવે પૂર્વ રાજકોટના વધુ 6 વિસ્તારનો અશાંતધારામાં સમાવેશ કરવા કવાયત હાથ ધરી છે. જેના પગલે આ વિસ્તારમાં રહેતા હજારો પરિવારોમાં દોડધામ મચી પડી છે. રાજકોટ કલેક્ટર કચેરીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના ભક્તિનગર સર્કલ આસપાસના વિસ્તારોને અશાંતધારા હેઠળ આવરી લેવા સરકારમાંથી સીધી સૂચના આવી હતી તેમજ કલેક્ટર તંત્ર પાસે પણ આ વિસ્તારોનો સમાવેશ અશાંતધારા હેઠળ કરવા માગણી આવતા તેના પર વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કામ શરૂ કરાયું છે અને અત્યંત ગોપનીય રીતે સમગ્ર અહેવાલ તૈયાર કરવા દોડધામ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર, મામલતદાર તંત્ર અને સબ રજિસ્ટ્રાર કચેરીના અભિપ્રાય સાથેનો અહેવાલ તૈયાર થઇ ગયા બાદ રાજકોટ કલેક્ટર સમક્ષ પ્રાંત અધિકારી સિટી-1 દ્વારા દરખાસ્ત કરવામાં આવશે અને કલેક્ટર દ્વારા રાજ્ય સરકારમાં આ 6 વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવા દરખાસ્ત કરાશે.
અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી 6 વિસ્તારોને અશાંતધારા હેઠળ સમાવેશ કરાશે.
જૂન-2022માં પૂર્વ રાજકોટની 31 સોસાયટીમાં અશાંતધારો લાગુ પાડ્યો હતો, તેમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન હેઠળની 30 તથા 1 આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારની સોસાયટીનો સમાવેશ થાય છે.