ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકાર દ્વારા સુશાસન લાવવાના નિર્ધારણ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકાના વનાળીયા ગામે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં હાજર રહેલ જિલ્લા કક્ષાના અલગ-અલગ વિભાગના અધિકારીઓ દ્વારા તેમના વિભાગને લગત અલગ અલગ કલ્યાણકારી યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ રાત્રીસભામાં ગ્રામજનોના પ્રશ્નો સાંભળી, મોટાભાગના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા કલેક્ટરે પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોક સુખાકારી બાબતોને લગત કામોના અંદાજો બનાવી જિલ્લા કલેક્ટરે પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવાની તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંતના અન્ય રજુ થયેલ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે બાબતેની સૂચના લગત વિભાગના હાજર જિલ્લા કક્ષાના અધિકારીઓને જિલ્લા કલેક્ટર જી. ટી. પંડયા દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ રાત્રી સભામાં મોરબીના મામલતદાર નિખીલ મહેતાએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી ગ્રામજનોને આપી હતી. લોકો સુધી સરળતાથી સરકારી યોજનાનો લાભ પહોંચાડી શકાય તેવાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેમજ પ્રાંત અધિકારી ડી. એ. ઝાલાએ લોકોને સરકારી સેવા મેળવવાના અધિકારોથી માહિતગાર કર્યા હતા. કલેક્ટર મોરબીના માર્ગદર્શન તળેની વહીવટી તંત્ર મોરબીની કામગીરીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આ રાત્રીસભામાં કલેક્ટર મોરબી, પ્રાંત અધિકારી મોરબી, મામલતદાર મોરબી ઉપરાંત અન્ય વિભાગના જીલ્લા કક્ષાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
મોરબીના વનાળિયા ગામે કલેક્ટરની રાત્રિસભા યોજાઈ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/5-50.jpg)