સર્વે નં.150માં ડિસ્ટ્રીકટ કોર્ટની નવી બિલ્ડીંગ નજીક પાંચ એકર જમીનની થશે ફાળવણી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ઘંટેશ્વરમાં ડિસ્ટ્રીકટ કોર્ટની નવી બિલ્ડીંગની બાજુમાં જ વકિલોને ઓફિસ માટે બજાર ભાવે રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવનાર છે.
કલેકટર કચેરીના સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે ઘંટેશ્ર્વરમાં સર્વે નં.150માં વકિલોને બજાર ભાવે આ સરકારી જમીન ફાળવવામાં આવનાર છે, અહીં એ ઉલ્લેખનીય છે કે ઘંટેશ્ર્વરમાં થોડા સમય પૂર્વે જ ડીસ્ટ્રીકટ કોર્ટના કરોડોના ખર્ચે નિર્માણ પામેલ આ નવા બિલ્ડીંગનું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસના હસ્તે લોકાર્પણ થવા પામેલ છે.
ઘંટેશ્વરમાં ડિસ્ટ્રીકટ કોર્ટના આ નવા બિલ્ડીંગની આસપાસના વિસ્તારોમાં હાલ વકિલોની ઓફિસ નથી. અગાઉ મોચીબજાર પાસે ડિસ્ટ્રીકટ કોર્ટ કાર્યરત હતી. જયાંથી આ ઘંટેશ્વરનું નવું બિલ્ડીંગ ખાસ્સુ દુર પડતું હોય કોર્ટ બિલ્ડીંગ પાસે જમીન ફાળવવા માટે રાજકોટ બાર એસો. દ્વારા અગાઉ જીલ્લા કલેકટર તંત્રને આ દરખાસ્ત કરવામાં આવી હતી. જે બાદ ઘંટેશ્ર્વરના સર્વે નં.150માં વકિલોની ઓફિસ માટે આ પાંચ એકર જમીનની પસંદગી કરી લેવામાં આવી છે. અને આ માટે જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા જંત્રીની એક ટકા પ્રોસેસ ફી ભરવા માટે ફરમાન કરી દેવામાં આવેલ છે.
આ પાંચ એકર જમીનની બજાર કિંમત અંદાજે કિં. 25 કરોડ જેવી થતી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ જમીનના ફાઈનલ ભાવ આગામી ડીએલપીસીની બેઠકમાં નિયત કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.