અંબાજી મંદિર ખાતે સોલાર પ્રોજેક્ટ કાર્યરત કરવા સર્વે હાથ ધરાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજે ગિરનાર પવિત્ર યાત્રાધામના વિવિધ પ્રશ્નો તેમજ નોધારાના આધાર યોજનાની પ્રગતિની સમીક્ષા કરી હતી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં કલેકટરએ ગિરનારના જુદા-જુદા પવિત્ર યાત્રાધામમાં સ્વચ્છતાની સમયાંતરે રૂબરૂ ચકાસણી કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમજ ગિરનાર પર્વત ઉપર સ્થિત અંબાજી મંદિર ખાતે સોલાર પ્રોજેક્ટ કાર્યરત કરવા માટે સર્વેની કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. નિરાધાર તરીકે જીવન વ્યતીત કરતા લોકોનું પુન:સ્થાપન કરવા માટેની નોધારાના આધાર યોજના સંદર્ભે કલેકટરશ્રીએ આશ્રય સ્થાનોમાં રેહતા નિરાધાર લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે દિશામાં પગલા લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
- Advertisement -
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણિયા, આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નંદાણીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


