Ø શ્રમિકોને ઓનલાઇન રજીસ્ટ્રેશન અને સ્લોટની પ્રક્રિયામાંથી મુક્તિ મળતાં સરળતાથી વેક્સીનેશન
Ø ઇન્ડસ્ટ્રીના મુખ્ય અંગ એવા શ્રમિકોને વેક્સિનેશન થકી સુરક્ષિત કરવાની પહેલ
- Advertisement -
રાજકોટ તા. ૧૧ જૂન. કોરોના વેક્સિનેશનની ગતિ જેટ સ્પીડે આગળ વધે તે માટે વિવિધ ક્ષેત્રે કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવે છે. રાજકોટની વિવિધ ઈન્ડસ્ટીઝ ઝોન ખાતે કારીગર અને શ્રમિકોને વહેલી તકે નજીકના સ્થળે વેક્સીન મળી રહે તે માટે આજરોજ રાજકોટના શાપર, હડમતાળા, લોઠડા સહિતના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં ૧૮ વર્ષથી ઉપરના ૧૭૦૦ થી વધુ લોકોને રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર શ્રી કિશોર મોરીએ જણાવ્યું છે.
શાપર ખાતે સાઈનિંગ ઇન્ડસ્ટ્રીઝના ૨૦૦ તેમજ શાપર અને વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનના કુલ મળી ૬૦૦, હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ખાતે હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ઓફિસ, તીર્થ એગ્રો ટેક્નોલોજી પ્રા. લી.(શક્તિમાન), સીનોવા ગિયર્સ & ટ્રાન્સમિશન પ્રા. લી. તેમજ રવિ ટેક્નોફોર્જ પ્રા. લી. ના ૯૫૦, લોઠડા પલવળા ખાતે કેમ્પમાં ૨૦૦ મળી કુલ ૧૭૫૦ જેટલા શ્રમિકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
શક્તિમાન એગ્રોના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડન્ટ રાવે જણાવ્યું હતું કે, અમારી કંપનીમાં તમામ કર્મચારીઓના વેક્સિનેશન માટે અમે પ્રયત્નશીલ છીએ. ૪૫ વર્ષથી ઉપરના અનેક કર્મચારીઓને પહેલા જ વેક્સિનેશન કરાવેલ છે. હાલ ૧૮ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓ માટે અભિયાન શરુ કરાતા વહીવટી તંત્રની મદદથી તમામ કારીગરો અને શ્રમિકોને વેક્સીન આપી સુરક્ષિત કરાશે. રજીસ્ટ્રેશન સહિતની કામગીરીમાં અમારા સ્ટાફનો સહયોગના કારણે ૨૪૦ થી વધુ લોકોનું ઝડપી રસીકરણ થવા પામ્યું છે.
- Advertisement -
શાપર ઈન્ડસ્ટીયલ ઝોનના પ્રમુખ કિશોરભાઈ ટીલાળાએ વેક્સિનેશન કેમ્પ અંગે વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ પ્રકારે કેમ્પના આયોજનથી મોટી ઇન્ડસ્ટ્રીઝના કારીગરોને ઓનલાઇન રજીસ્ટ્રેશન અને સ્લોટ મેળવવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળી જતા તેઓ સરળતાથી રસી મેળવી શકશે. ખાસ કરીને નજીકના જ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં તેઓને રસીકરણનો લાભ મળી રહેતા તેઓ સરળતાથી વેક્સીન મેળવી શકે. હાલ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આ પ્રકારે વકેસીનેશન કેમ્પના આયોજન કરવામાં આવશે. જેનો લાભ આસપાસની નાની ઈન્ડસ્ટીઝના મજૂરોને પણ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન બહોળા પ્રમાણમાં થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયાની પહેલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ ઉદ્યોગ ઝોનના પ્રમુખના સહકારથી યોજાયેલા આ વેક્સિનેશન કેમ્પમા પરપ્રાંતીય કારીગરો તેમજ શ્રમિકોને તેમના ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં વેક્સિનેશનનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો હતો. જેનો ઔદ્યોગિક ઝોનમાં કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.