હોસ્પિટલ નિર્માણ અને અન્ય કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા કલેકટરનું સૂચન
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર સેવા આપવાના ઉમદા હેતુ સાથે રાજકોટ નજીક ખંઢેરી ખાતે નિર્માણાધીન એઇમ્સ સાઇટની મુલાકાત લઇ રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ એઇમ્સ અને માળખાગત પાયાની નાગરિક સેવાઓ સાથે જોડાયેલા મુખ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એઈમ્સ ખાતે મીટીંગ યોજી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે છેવાડાના સામાન્ય નાગરિક અને ગરીબ માણસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. એઈમ્સ પણ આ ઉમદા સેવા અને ઉદ્દેશનું કેન્દ્ર બને તે માટે ઝડપી કામગીરી કરવા દરેક મુદ્દે ઝીણવટભર્યું અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું. એઈમ્સ સુધી પહોંચવા 90 મીટર, 30 મીટર અને હાલનો 10 મીટરનો હયાત રસ્તો તેમજ ફોરટ્રેક, ફલાયઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વીજળી, પાણી અને વરસાદી પાણીના નિકાલ, પરિવહનને એકબીજાની લિંક આપી આગામી 50 વર્ષની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે કલેકટરએ રૂડા, માર્ગ-મકાન વિભાગ, આર.એમ.સી, જેટકો, રેવન્યુ તેમજ એઇમસના અધિકારીઓ સાથે આસપાસના વિસ્તારોની વીઝીટ કરીને નાગરિક સુવિધામાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વધારાના પ્લાનિંગની દરખાસ્ત બધા જ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવાનું પણ આયોજન કર્યું હતું.


