કોરોના વકરશે તો જવાબદારી કોની રહેશે?
દેશમાં, ગુજરાતમાં, રાજકોટમાં કોરોના ફરી રંગ દેખાડી રહ્યો છે ત્યારે લાખ્ખો લોકોને એકઠાં કરવાનું દુ:સાહસ શા માટે?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી રાજકોટના લોકમેળાને રદ્દ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે રાજકોટનો લોકમેળો યોજવાનું દુ:સાહસ કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ કોરોના કેસમાં ઉછાળો નોંધાવા છતાં રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ વર્ષે લોકમેળો તા.17થી 21 ઓગસ્ટ એમ પાંચ દિવસ યોજાશે એવી આજરોજ સત્તાવાર જાહેરાત કરી છે. કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે કલેક્ટર તંત્રની આ જાહેરાત ચોંકાવનારી અને લોકોના જીવ જોખમમાં મૂકનારી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં યોજાતા પાંચ દિવસીય લોકમેળામાં દુનિયાભરમાંથી 12થી 15 લાખ લોકો ઉમટી પડે છે.
રાજકોટ જિલ્લા કલકેટર તંત્ર દ્વારા લોકમેળાની એ સમયે મંજૂરી આપવામાં આવી છે જ્યારે દેશમાં, ગુજરાતમાં, રાજકોટમાં કોરોના ફરી રંગ દેખાડી રહ્યો છે. શું વધુ એક વર્ષ લોકમેળો ન યોજાય તો કશું ખાટુંમોળું થઈ જશે? નાં. આમ છતાં આટલી સરળ અને સીધી વાત રાજકોટ કલેક્ટર તંત્રને સમજાતી નથી. અને એટલે લાખો લોકોના હિતમાં રાજ્ય સરકારે રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુને કોરોના કેસમાં વધારો કરનારા આયોજનોની જાહેરાત કરતા અટકાવે એ જરૂરી છે.
શું વધુ એક વર્ષ લોકમેળો ન યોજાય તો કશું ખાટુંમોળું થઈ જશે?: રાજ્ય સરકાર કલેકટરને અટકાવે એ જરૂરી
- Advertisement -
રાજકોટમાં 7 દિવસમાં કોરોનાનાં 15 કેસ
રાજકોટ શહેરમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં વધારો થયો છે સોમવારે 4 કેસ આવ્યા બાદ મંગળવારે વધુ 3 નવા પોઝિટિવ આવતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 15 થઈ છે. ખાસ નોંધનીય છે કે, પ્રિકોશનરી ડોઝ લીધેલા વ્યક્તિઓનાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.