ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
બ્રિટિશ રોકબેન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્ર્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઇ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ આગામી બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકોનું અમદાવાદમાં આગમન શરૂ થઇ ગયું છે. બે દિવસમાં બે લાખથી વઘુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે. કોલ્ડપ્લેની એક જ કોન્સર્ટમાં 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું સંભવત: પ્રથમવાર બનશે. કોલ્ડપ્લેના ફીવરનો એ વાતથી અંદાજ લગાવી શકાય કે અત્યાર સુધી અમદાવાદ-મુંબઇ વચ્ચે 6, અમદાવાદ-દિલ્હી વચ્ચે 1 સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઇ, દિલ્હી, બેંગાલુરુ, પૂણે, હૈદરાબાદથી અમદાવાદ આવવા માટે વન-વે એરફેર રૂપિયા 20 હજારથી વઘુ છે. કોન્સર્ટ જ્યાં યોજાવાની છે તે સ્ટેડિયમ તેમજ અમદાવાદની અનેક હોટેલો પણ બે દિવસ માટે હાઉસફૂલ થઇ ગઇ છે. સ્ટેડિયમ પાસે આવેલી સાવ સામાન્ય હોટેલોના ભાડા પણ રૂપિયા 10 હજાર જેટલા છે. આજે અનેક સેલિબ્રિટી પણ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદમાં યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટ માટે રૂપિયા 2500, રૂપિયા 3 હજાર, રૂપિયા 3500, રૂપિયા 4500, રૂપિયા 6500 અને રૂપિયા 12500 એમ વિવિધ દર ધરાવતી ટિકિટ હતી. શુક્રવારે સાંજે પણ ઓનલાઇન ટિકિટનો સ્લોટ શરૂ કરાયો હતો અને તેમાં રૂપિયા 12500ની ટિકિટ વેચાણમાં મૂકાઇ હતી. સાંજે 6 વાગ્યાથી શરૂ થનારી આ કોન્સર્ટમાં બપોરે 2 બાદ ચાહકોને એન્ટ્રી આપવાનું શરૂ કરાશે. અમદાવાદના સ્ટેડિયમમાં 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હોય તેવું છેલ્લે 19 નવેમ્બર 2023ના વન-ડે વર્લ્ડકપની ફાઇનલ વખતે બન્યું હતું.
- Advertisement -
કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિનની સંપત્તિ રૂ. 1400 કરોડ!
કોલ્ડપ્લેના સહ સ્થાપક- લીડ સિંગર ક્રિસ માર્ટિનની સંપત્તિ રૂપિયા 1400 કરોડથી વઘુ છે. આ સિવાય અન્ય ગાયકો વિલ ચેમ્પિયન રૂપિયા 835 કરોડ, જોની બકલેન્ડ રૂપિયા 35 કરોડની સંપત્તિ ધરાવે છે.
મુંબઇમાં કોન્સર્ટ બાદ 82 હજાર કિલો કચરો એકત્ર થયો હતો
મુંબઇમાં ગયા સપ્તાહે યોજાયેલી કોલ્ડપ્લેની કોન્સર્ટ બાદ 82.15 ટનથી વઘુ કચરો એકત્ર થયો હતો. આ કચરાના નિકાલ માટે સફાઇકર્મીઓને ચાર દિવસ જેટલો સમય થયો હતો. અમદાવાદમાં બે દિવસમાં બે લાખથી વઘુ ચાહકો આવવાના હોવાથી કચરાનો આ આંક પણ ખૂબ જ વધે તેવી પૂરી સંભાવના છે.
- Advertisement -
એક જ કોન્સર્ટમાં 2.25 લાખ પ્રેક્ષકનો વર્લ્ડ રેકોર્ડ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના કોન્સર્ટમાં 1 લાખથી વધુ ચાહકો ઉપસ્થિત રહેશે. જોકે, એક જ કોન્સર્ટમાં સૌથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યાનો આ વર્લ્ડ રેકોર્ડ નહીં હોય. ઈટાલીના મોડેના ખાતે 2017માં યોજાયેલી ઈટાલિયન ગાયક વાસ્કો રોઝીની કોન્સર્ટમાં 2.25 લાખ પ્રેક્ષકો હતા.
કોલ્ડપ્લે શું છે?
ક્ષ બ્રિટિશ રોકબેન્ડ કોલ્ડપ્લે 1997માં અસ્તિત્વમાં આવેલું. અગાઉ આ બેન્ડ સ્ટારફિશ તરીકે ઓળખાતું.
ક્ષ બેન્ડમાં પિયાનિસ્ટ ક્રિસ માર્ટિન, ગિટારિસ્ટ જ્હોની બુકલેન્ડ, બેઝિસ્ટ ગાય બેરીમેન, ડ્રમર વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.
ક્ષ કોલ્ડપ્લેના મેમ્બર્સ એન્સિયન્ટ વર્લ્ડ સ્ટડીઝ, એસ્ટ્રોનોમી અને મેથેમેટિક્સમાં ડિગ્રી ધરાવે છે.
ક્ષ કોલ્ડપ્લેને રેકોર્ડ 30 વખત નોમિનેશન મળ્યું છે અને 9 વખત એવોર્ડ હાંસલ કર્યા છે.
ક્ષ 100 મિલિયન કરતાં વઘુ આલ્બમ્સનું વેચાણ થયું છે.