નલિયા 10.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી; વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં હજુ મોટો ઘટાડો થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાતમાં પવનની દિશા બદલાતા ઠંડીના જોરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. ખાસ કરીને કચ્છનું નલિયા 10.3 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશા બદલાતા અને ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાવાને કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ વધશે.
જાન્યુઆરીમાં આવશે ઠંડીનો નવો રાઉન્ડ હવામાન વિભાગ (ઈંખઉ)ની આગાહી મુજબ, 29 થી 31 ડિસેમ્બર દરમિયાન નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે. આ સિસ્ટમની અસરને કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. આ ઉપરાંત વહેલી સવારે હળવા ધુમ્મસની અસર પણ જોવા મળી શકે છે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે. જોકે, આગામી 7 દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણ સુકું રહેવાની ધારણા છે.
વિવિધ શહેરોના લઘુત્તમ તાપમાનના આંકડા રાજ્યના મુખ્ય શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો, નલિયા બાદ ડીસામાં 13.1 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી અને ભુજમાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં 16.4 ડિગ્રી, ભાવનગરમાં 15.8 ડિગ્રી અને સુરતમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. ડીસામાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રી અને નલિયામાં 1.7 ડિગ્રીનો ઘટાડો નોંધાતા લોકોએ વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.



