ગુજરાત વિધાનસભા-2022 ચૂંટણીની જાહેરાત સાથે જ, રાજયભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અસરકારક અમલ અને જિલ્લામાં નિષ્પક્ષ અને ભયમુકત માહોલમાં ચૂંટણી કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે એક બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મિટિંગમાં સંબંધિત અધિકારીઓને આદર્શ આચાર સંહિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ. જે. ખાચર, નિવાસી અધિક કલેકટર શ્રી કેતન ઠક્કરે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો, શું શું કરવું અને શું શું ના કરવું તેની વિસ્તૃત સમજૂતી આપી હતી.
- Advertisement -
રાજકોટના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી આશિષકુમારે રાજકોટમાં બેનર્સ, પોસ્ટર્સ ઉતારવાની શરૂ થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, રાજકોટ પ્રાદેશિક નગર પાલિકા કમિશનરશ્રી ધીમંત વ્યાસ, અધિક કલેકટરશ્રી ઇલાબહેન ચૌહાણ તેમજ વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.