માછીમારોએ ચોમાસા બાદ માછીમારીની સિઝન શરૂ કરવા પહેલા દરિયાદેવના આશીર્વાદ લીધા
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
- Advertisement -
જાફરાબાદ બંદર કાંઠે નાળિયેર પૂનમના પવિત્ર તહેવાર નિમિત્તે ખારવા સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું. ચોમાસાની સિઝન પૂરી થયા બાદ અને નવી માછીમારીની સિઝન શરૂ થવા પહેલા માછીમારો દ્વારા આ દિવસે દરિયાદેવના આશીર્વાદ લેવામાં આવે છે.
આ પવિત્ર પ્રસંગે બોટ માલિકો દ્વારા શણગારેલી દુધની હેલમાં શ્રીફળ મૂકીને દરિયાદેવનો દૂધ અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અબીલ-ગુલાલ અર્પણ કરીને પૂજનવિધિ કરવામાં આવી હતી. આ પૂજનનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાદેવને માછીમારોનું દીર્ઘ આયુષ્ય અને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવાનો હતો.
જાફરાબાદ માછીમાર ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું કે, આ પૂજનવિધિ પૂર્ણ થયા બાદ માછીમાર ભાઈઓ પોતપોતાની બોટ લઈને માછીમારી માટે દરિયામાં જશે. આ પ્રસંગે કનૈયાલાલ સોલંકી, ભગુભાઈ સોલંકી, સંતોષભાઈ સોલંકી, નારણભાઈ ભાલીયા સહિત ખારવા સમાજના આગેવાનો, મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી ખારવા સમાજની પરંપરા અને દરિયા પ્રત્યેની આસ્થાનું પ્રતીક છે.



