સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ત્રણ દાયકાથી ગેરકાયદેસર કોલસાના ખનન બંધ કરવાની નાટક રચનાર તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વર્ષ 2023માં ગેરકાયદેસર ખનન ચાલતા વિસ્તારોમાં જેમકે થાનગઢ, મૂળી અને સાયલા ખાતે બે હજાર જેટલી ખાણો પૂરવાનું સરકારી ચોપડે ઉલ્લેખ્યું છે. આ બે હજાર કોલસાની ખાણો પૂરવા માટે તંત્રે એક કરોડથી વધુ વધુનો ખર્ચ કર્યો હતો પરંતુ આ ખર્ચ લેખે લાગ્યો હોય તેવું કદાપિ કહી શકાય નહિ કારણ કે આ વાતને હજુ એક વર્ષ થયું છે ત્યાતો છેલ્લા કેટલાય દિવસથી કોલસાનું ખનન ચાલુ છે. વર્ષ 2023માં જે પ્રકારે ખાણ ખનિજ વિભાગ દ્વારા થાનગઢ, મૂળી અને સાયલા ખાતે ગેરકાયદેસર કોલસાની ખાણો પૂરવા નીકળ્યા હતા તેમાં પણ ખાણ ખનીજના કેટલાક કર્મચારીઓનો ફાયદો જ હતો.
જોકે ખાણ ખનિજ વિભાગના ભેજાબાઝ અધિકારીઓ અને કર્મચારીઓ કરતા ખનિજ માફીયાઓ વધુ યુક્તિબાજ હોવાનું પણ સામે આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં ખનિજ માફીયાઓ કોલસાના ગેરકાયદેસર કૂવા ઉપરથી ઢાંકીને તેના પર ધૂળ નાખી દેતા વાળી કેટલાક માફીયાઓ કોલસાના કૂવામાં ઘાસની ગાસળીઓ નાખી દેતા જેના લીધે ખનિજ વિભાગ જ્યારે અહી ખાણો બર્વનું નાટક કરવા આવે ત્યારે અહી કોઈ ગેરકાયદેસર ખનન નહિ થતું હોવાનું અને ખાણ નહિ હોવાનું રોજકામ કરી નીકળી જાય જે બાદ ખનિજ માફીયાઓ ફરી પાછી ખાણો ખુલ્લી કરીને કોલસાનું ખનન શરૂ કરી દેતા હતા. સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગે 1.20 લાખનો ખર્ચ કરી બે હજાર જેટલી કોલસાની ખાણો પૂરવાની ડંફાસો મારી હતી. પરંતુ તમામ ગેરકાયદેસર કોલસાની ખાણો આજેય ધમધમે છે. જેના લીધે ખાણો પૂરવા માટે કરેલો કરોડોનો ખર્ચ તો પાણીમાં ગયો હશે સાથો સાથ દરરોજ કરોડો રૂપિયાની ખનિજ ચોરી પણ થઈ રહી છે જેથી ગુજરાત સરકારની તિજોરીને ખનિજ વિભાગ અને ખનિજ માફિયા એમ બંનેએ લૂંટી લીધી.