મુખ્યમંત્રીની પોસ્ટ: હિટવેવથી બચવા સંબંધિત વિભાગો સાથે આયોજન
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.24
- Advertisement -
અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને લઈને આગામી કેટલાંક દિવસો સુધી હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. તો, રાજ્યની જનતાને હીટવેવથી બચવા માટે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે તો ગરમીથી ચિંતિત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમા હિટવેવને લઇ ટ્વિટર (ડ) પર પોસ્ટ કર્યું છે. સીએમ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરતાં ગુજરાતની જનતાને સંબોધીને કહેવામાં આવ્યું છે કે આપણે બધા હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ.
હવામાન વિભાગે પણ હીટવેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે. સીએમ પટેલે વધુમાં લખ્યું આ આકરા તડકામાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે. સીએમ પટેલે વધુમાં જણાવ્યું છે કે ‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે.