આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે
ખાસ-ખબર સંવાદદાતા
આજે શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2024ના શુભારંભ થયો હતો. તે તેમને પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સમયથી આગળનું વિચારવાની વિચારધારા અને વિઝનરી લીડરશીપના પરિણામે દેશમાં ઉદ્યોગો, ધંધા-વ્યાપારના વિકાસ દ્વારા દેશનું અર્થતંત્ર નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં દેશના વિકાસનો પતંગ આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી તિરંગા બલૂનને આકાશમાં ઉડાડીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતના સર્વાંગી વિકાસના પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદૃષ્ટિ સાથે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે દાયકા પહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિનો આવતા અઠવાડિયેથી પ્રારંભ થઈ રહ્યો છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સામાન્યમાં સામાન્ય માનવીને આર્થિક પ્રગતિનો લાભ મળે, આવક વૃદ્ધિ અને રોજગાર સર્જનથી ગુજરાતની પ્રગતિ વધતી રહે તેવી ’પ્રો પીપલ અભિગમ’ની પરંપરા વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વને આગવા વિઝન સાથે વિશ્વખ્યાતિ અપાવીને દર વર્ષે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી છે. આજે ગુજરાતનો આ પતંગ મહોત્સવ વિશ્વભરમાં જાણીતો બન્યો છે. દેશ-વિદેશમાંથી પતંગબાજો દર વર્ષે આ લોકપ્રિય ઉત્સવમાં ભાગ લેવા ઉમટે છે, એ આ ઉત્સવની સફળતાની સાબિતી આપે છે, એમ તેમણે ઉમેર્યું હતું.