સતત 15મા વર્ષે 10,000થી વધુ ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમશે, બારકોડ પાસની વ્યવસ્થા, આધુનિક ટેક્નોલોજીના સથવારે ગ્રાઉન્ડની સજાવટ, પ્રખ્યાત કલાકારોનો કાફલો રંગ જમાવશે
ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ અને દર્શકો માટે એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ ખડેપગે તૈનાત રહેશે
- Advertisement -
શહેરમાં છેલ્લા 14 વર્ષથી ઉમિયાધામ સિદસર પ્રેરિત કલબ યુવી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. 15માં વર્ષે પણ 150 ફૂટ રીંગ રોડ, સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ રાધીકા ફાર્મ હાઉસ ખાતે વિશાળ મેદાનમાં નવરાત્રી મહોત્સવના જાજરમાન આયોજનની તડામાર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. રાધીકા ફાર્મ હાઉસ ખાતે કલબ યુવી દ્વારા નવરાત્રી દરમિયાન તા. 15/10/2023થી 23/10/2023 સુધી ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમશે. કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્મિતભાઇ કનેરીયા, ક્ધવીનર કાંતીભાઇ ઘેટીયા, બોર્ડ ઓફ ડિરેક્ટરો એમ.એમ.પટેલ, જીવનભાઇ વડાલીયા, મનુભાઇ ટીલવા, શૈલેષભાઇ માકડીયા, જવાહરભાઇ મોરીના માર્ગદર્શન હેઠળ નવા આમંત્રિત ટ્રસ્ટીઓ, કોર કમિટીના સભ્યો સહિતના 91 સભ્યની કમિટીએ સાથે મળીને તૈયારીઓનો શુભારંભ કર્યો છે. આ અંગે કલબ યુવીના કોર્ડીનેટર ડિરેક્ટર કાંતીભાઇ ઘેટીયાએ જણાવ્યું હતું કે, દોઢ દાયકા પૂર્વે અર્વાચીન રાસોત્સવને પારિવારીક માહોલમાં નવરાત્રીનું સ્વરૂપ આપનાર કલબ યુવીએ ઉમિયા માતાજીની ભક્તિની સાથોસાથ સંગઠનની શક્તિનો સરવાળો કરી એક નવી જ કેડી કંડારી છે. ક્લબ યુવી-2023ના વર્ષમાં નવા ક્લેવર, નવી ઉર્જા, નવી સજાવટ અને નવી ટીમ સાથે નવા મુકામ સર કરવા કાર્યરત થઇ છે. અર્વાચીન રાસોત્સવમાં નવી પરંપરાની પહેલ કરનાર કલબ યુવીના આમંત્રિત ટ્રસ્ટી બીપીનભાઇ બેરાના જણાવ્યા અનુસાર સતત 15માં વર્ષે નવરાત્રી મહોત્સવના જાજરમાન આયોજન માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ વડે ખેલૈયાઓ માટે બારકોડ એન્ટ્રી પાસ બનાવવામાં આવ્યા છે. જેથી ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં એન્ટ્રી લેશે તથા ગ્રાઉન્ડની બહાર નીકળશે ત્યારે વાલીઓને મેસેજ દ્વારા જાણ થશે. નવરાત્રીમાં ગ્રાઉન્ડમાં બેનરની જગ્યાએ 4000 ફૂટ જેટલી એલ.ઇ.ડી. દ્વારા સજાવટ કરવામાં આવશે.
નવરાત્રી મહોત્સવમાં 10,000 ખેલૈયાઓ રમી શકે અને 30,000 દર્શકો વિવિધ કેટેગરીમાં બેસીને નવરાત્રીનો આનંદ માણી શકે તે માટે 18,000 વાર જગ્યામાં સમથળ મેદાનમાં ટુ લેયર કારપેટ, મહેમાનો-આમંત્રીતો માટે ખાસ 6 ગેલેરી, સ્પોન્સરશીપ કંપની માટે 23થી વધુ પેવેલીયન તથા દર્શકો માટે બેઠક વ્યવસ્થા, આકર્ષક લાઇટીંગ ટાવર તથા ગ્રાઉન્ડની મધ્યમાં 50 ફૂટની એલ.ઇ.ડી.થી સજ્જ મિકસર સ્પેસ તેમજ મેઇન સ્ટેજ ફરતે રાઉન્ડ એલ.ઇ.ડી સ્ક્રીન ફોરમેટથી સજાવટ થશે. ગ્રાઉન્ડ ઇન્ચાર્જ રજનીભાઇ વિરોજાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે. હાઇટેક ડબલ લાઇન એરર સાઉન્ડ સિસ્ટમ, ફુડઝોન કેન્ટીન, ઇન્ટરનલ પાર્કીંગ, તથા ટાઇટ સિક્યોરીટી સહિતનું પ્લાનીંગ અમલી બનાવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ તથા સ્પોન્સર દાતાઓની પ્રોડક્ટને ઉજાગર કરાશે. સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ જય કડીવાર દ્વારા કલબ યુવીની વેબસાઇટ, યુટ્યુબ તથા ફેસબુક લાઇવ દ્વારા નવરાત્રીનું દુનિયાભરમાં લાઇવ પ્રસારણ કરવામાં આવશે. તેમજ ક્લબ યુવી નવરાત્રી મહોત્સવ સ્થળે ખેલૈયાઓ તથા દર્શકો માટે એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ મયુર બુદ્ધદેવ,રાજવી શ્રીમાળી, અક્ષિલ પાટીલ, જલ્પા સુરતી, અવનીબેન પીઠડીયા અને કોરસ ગ્રુપ સહિતના 10 ચુનીંદા કલાકારોનો કાફલો સુરતાલની સુરાવલીના સથવારે ખેલૈયાઓને ડોલાવશે.
કલબ યુવીના નવરાત્રી મહોત્સવ-2023ના પાસ તેમજ ફોર્મનું વિતરણ કલબ યુવી કાર્યાલય-નક્ષત્ર હાઇટ્સ નક્ષત્ર-3, રૈયા ટેલીફોન એક્ષચેન્જ સામે, 150 ફુટ રીંગ રોડ, પુષ્કરભાઇ પટેલ હરિભાઇ પટેલનું કાર્યાલય- પંચવટી મેઇન રોડ, શિતલ ટ્રાવેલ્સ- પંચાયત નગર, રૂપ બ્યુટી શોપ- સ્વામીનારાયણ ચોક, ક્રિષ્ના ઝેરોક્ષ-સરદાર નગર મેઇન રોડ, ક્રિષ્ના કેન્ડી- સુવર્પભૂમિ સ્પીડવેલ ચોક, રાધે પ્રોવિઝન સ્ટોર-ગાંધી સ્કુલ નાનામૌવા રોડ, ઉમિયાજી પાન- યોગેશ્વર પાર્ક, ડી લાઇટ ફેન્સી ઢોસા- અંબિકા ટાઉનશીપ, શ્રીનાથ બ્યુટી શોપ- પ્રદ્યયુમન એપા. આલાપ હેરીટેજ સામે, પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ-કલ્પવૃક્ષ કોમ્પલેક્ષ સિલ્વર-ગોલ્ડ રેસીડેન્સી, નચિકેતા સ્ટેશ્નરી મોલ- એસ્ટ્રોન ચોક ખાતેથી મેળવી શકાશે, તેમ કલબ યુવીના મીડિયા કોઓર્ડિનેટર રજનીભાઇ ગોલે જણાવ્યું છે.