શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
પાણીમાં સ્કૂલ વાહન ફસાતા વિદ્યાર્થીઓ ધક્કો મારવા મજબુર બન્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જે આગાહીને પગલે મોરબી શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. મોરબી જીલ્લામાં 24 કલાક દરમિયાન 8 મીમીથી લઈને 140 મીમી સુધી વરસાદ વરસી ગયો હતો જયારે મોરબી શહેરમાં રાત્રી દરમિયાન થયેલા વરસાદને પગલે સમગ્ર શહેર જળમગ્ન બન્યું હતું. મોરબી જીલ્લામાં છેલ્લા થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી જોકે ગઈકાલથી ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી અને આજે સવારે છ વાગ્યા સુધીમાં મોરબી પંથકમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસી ગયો છે.

જેના પગલે શહેરના નીંચાણવાળા વિસ્તારો જેવા કે શનાળા રોડ, મહેન્દ્રપરા, અરૂણોદયનગર અને અવની ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય ગયા છે જેમાં ખાસ કરીને મહેન્દ્રપરામાં ગટરના પાણીનો નિકાલ બંધ હોવાથી ગટરના પાણી તો ભરાયેલા હતા જ તેવામાં વરસાદ વરસતા હાલમાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે જયારે મોરબી શહેરનો અવની ચોકડી વિસ્તાર પણ પાણી પાણી થઈ ગયો હતો જેમાં આજે પાણી ભરાવવાના કારણે સ્કૂલ વાહન પણ અહીં ફસાયું હતું જેના પગલે વિદ્યાર્થીઓ જીવના જોખમે વાહનને ધક્કો મારવા મજબુર બન્યા હતા. મોરબી જીલ્લા કલેકટર કચેરી સ્થિત ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ મંગળવારે સવારે છ વાગ્યાથી બુધવારે સવારે છ વાગ્યા સુધીમાં મોરબી પંથકમાં 140 મિલિમિટર એટલે કે સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં જોઈએ તો હળવદમાં 26 મીમી, વાંકાનેરમાં 8 મીમી, ટંકારામાં 14 મીમી અને માળીયા મિંયાણામાં 8 મીમી વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે, ગતરાત્રિના 12 વાગ્યા સુધીમાં જ મોરબીમાં 85 મીમી વરસાદ વરસી ગયો હતો.
- Advertisement -
મચ્છુ 3 ડેમના બે દરવાજા પોણો ફૂટ ખોલાયા, 21 ગામોને એલર્ટ
મોરબી નજીક આવેલ મચ્છુ 3 ડેમમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 898 ક્યુસેક પાણીની આવક થઈ હતી અને ડેમની સપાટી 28 ફુટ પહોંચી ગઈ હોવાથી ડેમના દરવાજા ખોલવાની જરુરીયાત ઉભી થતા મચ્છુ 3 ડેમના 2 દરવાજા પોણો-પોણો ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના ગોરખીજડિયા, માનસર, વનાળિયા, નારણકા, નવા સાદુડકા, જુના સાદુડકા, રવાપર નદી, ગૂંગણ, જુના અને નવા નાગડાવાસ, અમરનગર, સોખડા, બહાદુરગઢ ઉપરાંત માળીયા તાલુકાના દેરાડા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરિપર અને ફતેપર સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને મચ્છુ નદીના પટમાં ન જવા તાકીદ કરવામાં આવી છે.



