શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે 30 ડિસે.થી 1 જાન્યુઆરી સુધી સવારે 10થી રાત્રે 10 સુધી પ્રદર્શન યોજાશે
આયોજકો દ્વારા ખાસ સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન, ઈનામો પણ અપાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ફોટોગ્રાફીમાં રસ ધરાવતાં એમેચ્યોર ફોટોગ્રાફરો દ્વારા ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ શરૂ કરવામાં આવ્યું છે. આ ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ દ્વારા ભૂતકાળમાં બે સફળ પ્રદર્શનો યોજાયા બાદ હવે ત્રીજી વાર 80 તસ્વીરકારોની 200થી વધુ તસ્વીરોનું ત્રિ-દિવસીય પ્રદર્શન ‘ક્લિક કાર્નિવલ 2022’ તા. 30-31 ડિસેમ્બર 2022 અને 1 જાન્યુઆરી 2023 સુધી રાજકોટ શહેરના રેસકોર્સ સ્થિત શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે યોજાવા જઈ રહ્યું છે. રાજકોટની કલાપ્રેમી જનતા માટે સવારે 10 કલાકથી રાત્રે 10 કલાક સુધી નેચર, વાઈલ્ડ લાઈફ, પોટ્રેઈટ, સ્ટ્રીટ ફોટોગ્રાફી જેવી બહુવિધ વિષયોને આવરી લેતી અદ્ભુત તસ્વીરોનું પ્રદર્શન યોજાશે.
આ ક્લબની વિશેષતા એ છે કે અહીં કોઈ પ્રમુખ કે હોદ્દેદાર નથી પરંતુ દરેક મેમ્બર એકબીજા પાસેથી ફોટોગ્રાફીને લગતી વિવિધ બાબતો શીખે છે અને સાથે મળીને ફોટો વોક અને ફોટો ટુર કરીને અલભ્ય તસવીરો કંડારી અને ફોટોગ્રાફીની કલા વિકસાવી રહ્યા છે. આ ક્લબના મોટાભાગના તસ્વીરકારો શહેરના જાણીતા ડોક્ટરો, એન્જીનીયરો, બિઝનેસમેન, વિદ્યાર્થીઓ, ટીચીંગ પ્રોફેશનલ્સ જેવા વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા છે. ફોટોગ્રાફી પ્રત્યેનું ઝનુન અને લગાવ આ તમામ સભ્યોને એકતાંતણે જોડે છે અને એક મંચ પર એકત્રિત થઈ પોતાના શોખને વિકસાવવાની તક આપે છે.
- Advertisement -
ગત તસ્વીર પ્રદર્શનમાં ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટના તસ્વીરકારો દ્વારા તેમના ફોટોગ્રાફ્સનું વેચાણ કરી જે રકમ એકત્રિત થઈ તેને જરૂરિયાતમંદ આર્થિક પછાત બાળકોના અભ્યાસ અને શિક્ષણ માટે ડોનેટ કરવામાં આવી હતી. આ પ્રદર્શન માટે ઘણા સમયથી ક્લબના સિનિયર સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તેમણે દરેક સભ્યો પાસેથી તેમની શ્રેષ્ઠ તસ્વીરો એકત્રિત કરી, તેનું સિલેકશન, ફ્રેમીંગ જેવી પ્રક્રિયા પછી શ્રેષ્ઠ 200 તસ્વીરો રાજકોટની કલાપ્રિય જનતા માટે સિલેક્ટ કરી, જે આ પ્રદર્શન દરમિયાન પ્રસ્તુત કરાશે. આ પ્રદર્શન માટે ક્લબના સભ્યો દ્વારા વિવિધ સંગઠનો ઉપરાંત શહેરની શાળા અને કોલેજોનો સંપર્ક સાધી વિદ્યાર્થીઓને પણ આ પ્રદર્શન માણવા આમંત્રિત કરાયા છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને રાજકોટ સ્વનિર્ભર કોલેજ એસોસિએશન સંચાલિત શાળાઓ અને કોલેજોમાં ફોટોગ્રાફી ક્લબના મેમ્બર તા. 15 જાન્યુઆરી સુધી અંદાજે 15 શાળાઓમાં અને કોલેજોમાં જઈને રસ ધરાવતાં વિદ્યાર્થીઓને ફોટોગ્રાફી શીખવશે અને જે વિદ્યાર્થીઓ ક્લબમાં જોડાવા ઈચ્છશે તેમને તક આપવામાં આવશે.