ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણીની સાથે વિધાનસભા પેટા ચૂંટણી માટે તા.7મેના રોજ મતદાન થનાર છે, ત્યારે લોકશાહીના મહાપર્વમાં મતદાતાઓ ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જરૂરી પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ છે. આજે 86- જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારના જુદા જુદા મતદાન મથકો પર સ્વચ્છ મતદાન મથક – આપણું બુથ, સ્વચ્છ બુથની નેમ સાથે સફાઈ હાથ ધરવામાં આવી હતી. આમ, મતદાન મથકોને સ્વચ્છ બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -
આ ઉપરાંત મતદાતાઓને મતદાન મથક પર જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે નિર્દેશો આપ્યા છે. ખાસ કરીને પીવાના પાણી, રેમ્પ છાયડો વગેરે વ્યવસ્થાઓ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આમ, દરેક મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી તકેદારીઓ ચૂંટણી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.



