ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર અને ભાજપના જ નગરસેવકો વચ્ચે ગંભીર ઘર્ષણ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિસાવદર ભાજપ શાસિત નગરપાલિકામાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે.
ચીફ ઓફિસરે પાલિકાના ઉપપ્રમુખ રમેશ માંગરોળીયા અને નગરસેવક કેયુર અભાણી સામે પોલીસમાં અરજી આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ બંને શખ્સોએ તેમની ઓફિસમાં આવી ભૂંડી ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બીજી તરફ ભાજપના નગરસેવકોએ આક્ષેપ કર્યો છે કે ચીફ ઓફિસર પી.જે. વઘાસીયાએ તેઓને કચેરીમાં છરી બતાવી ગાળો આપી ધમકી આપી હતી. પાલિકામાં ટેન્ડર પ્રક્રિયા અને હિસાબો સહિતના મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓનું માનવું છે કે અગાઉ જે ’લાલીયાવાડી’ ચાલતી હતી તે બંધ કરાતા અમુક નગરસેવકો રોષે ભરાયા છે. આ બનાવને પગલે નગરપાલિકા કચેરીમાં ભાજપના નગરસેવકો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. વિસાવદર પી.આઈ.એ જણાવ્યું છે કે બંને પક્ષોની અરજીઓ મળી છે અને હાલ અરજીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે શિસ્તબદ્ધ ગણાતી ભાજપની નીતિરીતિ સામે પણ સવાલો ઊભા થયા છે.



