‘અમો કોણ છીએ તું જાણતી નથી હવે તું નોકરી કઇ રીતે કરે છે જોઇ લે’ કહી ધમકી આપી
એએસઆઈને મારકૂટ કરી ધમકી આપનાર માતા-પુત્રી સામે ફરજમાં રૂકાવટનો ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે રોડ પર પડેલ એક્ટિવા ટોઇંગ કરતાં ચાલક સાથે રહેલ માતા-પુત્રીએ ટોઇંગ કરેલ એક્ટિવા છોડાવવા મહિલા પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતાં બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
રાજકોટ ટ્રાફિક શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં રાધિકાબેન અશોકભાઈ મકવાણાએ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફિરોજાબાનું ગુલામહુસેન વળદળીયા અને શમશાબાનું ગુલામહુસેન વળદળીયા સામે બી ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે સેકટર નંબર-1 માં કુવાડવા રોડ ડી માર્ટ વિસ્તારમાં ટોઇંગ વાહન ઇન્ચાર્જ તરીકે ફરજમાં હતાં પારેવડી ચોકથી ગ્રનલેન્ડ ચોકડી તરફ જતા કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે આવતા ત્યાં રોડ ઉપર એક કાળા કોલરનું એકટીવા નં. જીજે-03-એલએસ-9895 પડેલ હતું તે એક્ટિવા સાથે રહેલ કર્મીઓએ ટોઇંગ કરેલ તે દરમ્યાન આ એકટીવાના ચાલક સેજલબેન ભટ્ટી ત્યાં આવી ગયેલ અને તેણી સાથે અન્ય બે મહીલા પણ ત્યાં હાજર હતા જેમાં એકનું નામ ફીરોજાબાનુ વળદડીયા અને તેની દિકરી શમશાબાનું હતું.
એકટીવા ચાલક સેજલબેન ભટ્ટી પાસે લાયસન્સ તથા અન્ય કાગળો માંગતા તેણી તેમની પાસે રહેલ મોબાઇલમાં લાયસન્સ તથા કાગળો સર્ચ કરતા હતા. તે વખતે ફીરોજાબાનુએ કહેલ કે, આ સેજલબેન મારા ફ્રેન્ડ છે, તેનું ટોઇંગ કરેલ એકટીવા તું નિચે ઉતારી દે અને તું અહીંથી જવા દે નહી તો સારાવાટ નહી રહે તેમ કહી ઉધ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું ત્યારે એકટીવા ચાલક સેજલબેન ભટ્ટીએ દંડ ભરવાનું સ્વીકારેલ અને પોલીસ સાથે માથાકૂટ ન કરવાનું ફીરોજાબાનુને જણાવેલ હતું. તેમ છતા આરોપી માતા-પુત્રી બંન્ને ઝઘડો કરી ગાળો બોલાવા લાગેલ હતા. તેમજ બન્નેએ એકટીવા નીચે ઉતારી દેવાનું કહેલ અને એકટીવા નીચે નહી ઉતારે તો સારાવાટ નહી રહે તેમ ધમકી આપી હતી ઉપરાંત બંને માતા-પુત્રીએ તેણીનો શર્ટનો કાઠલો પકડી નીચે પાડી દઇ ઢીકાપાટુ મારવા લાગેલ અને બન્ને ગાળો આપવા લાગેલ હતા. તેમજ બંનેએ કહેલ કે, અમો કોણ છીએ તું જાણતી નથી હવે તું નોકરી કઇ રીતે કરે છે એ જોઇ લેજે તેમ ધમકી આપેલ હતી. બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા બી. ડીવીઝન પોલીસ સ્ટેશનનની પીસીઆર ગાડી આવી ગયેલ હતી બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ વિ. એચ.પરમાર અને સ્ટાફે તપાસ હાથ બંને મહિલા આરોપીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.