બંને પક્ષના પિતા-પુત્ર, માતા-પુત્રી તથા મૃતક સહિત છ શખ્સો વિરુદ્ધ સામસામી ફરિયાદ: હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપી રાજકોટ સિવિલમાં ગોંડલ સીટી પોલીસના જાપ્તા હેઠળ દાખલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલમાં ઉતરાયણમાં પતંગના પેંચ કાપવા મુદ્દે માથાકૂટ થયા બાદ ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે ગંભીર રીતે ઘવાયેલા યુવકને રાજકોટ ખસેડાયો હતો પરંતુ અહીં પહોંચે તે પૂર્વે જ દમ તોડી દેતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો સામા પક્ષે ઘવાયેલા ત્રણ લોકોને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા હતા ગોંડલ સીટી પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગોંડલના ભગવતપરામાં રહેતા નિશાબેન વિનોદભાઇ સોંદરવા ઉ.23એ સુનીલ કાંતિ મકવાણા, તેના ભાઈ સાગર કાંતિ મકવાણા અને પિતા કાંતિ ઉકા મકવાણા સામે ગોંડલ સીટી પોલીસમાં હત્યા સહિતની કલમો હેઠળ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમો એક ભાઇ તથા એક બહેન છીએ હું નાનપણથી મારા મામા અનીલભાઈ પુંજાભાઈ લુણસીયા તથા મારા નાની પ્રભાબેન સાથે રહું છું મારા માતા મીનાબેન તથા મારા પિતાના છુટાછેડા થઈ જતા અમો બંને મા-દિકરી મારા મામા અનીલભાઈ સાથે રહીએ છીએ ગઈકાલ તા. 14ના રોજ મકરસંક્રાંતીનો તહેવાર હોય જેથી અમે બધા અમારા ઘરની છત ઉપર પતંગ ચગાવવા ગયા હતા દરમ્યાન પોણા બારેક વાગ્યે મારા મામા અનીલભાઇને અમારા ઘરથી એક ઘર પછીના ઘરવાળા સુનીલભાઇ મકવાણા સાથે પતંગ ઉડાવવા બાબતે બોલાચાલી થતા દેકારો થતા અમે ફળીયામાં ગયા હતા ત્યારે મારા મામા અનીલભાઈ તથા સુનીલભાઈ મકવાણા એકબીજા સાથે ઝઘડો કરી ગાળો આપતા હતા. સુનીલભાઇના પિતા તેના ઘરના ફળીયામાંથી ઇંટોના ઘા કરતા હતા પછી શેરીમાં આવી મારામારી કરતા હતા. સુનીલના પિતા કાંતીભાઈ પણ મારા મામાનેં ઢીકાપાટુ મારતા હતા. ત્યાં સુનિલનો ભાઇ સાગર પણ આવી ગયો હતો અને અનીલ મામા પાસે લાકડી હતી તે આંચકી લઈ મામાને મારવા લાગ્યો હતો સાગરે પેન્ટના નેફામાંથી છરી કાઢી મામાને આડેધડ ઘા ઝીકી દીધા હતા અમે છોડાવવા વચ્ચે પડતા સુનીલભાઈએ મારા માતાને લાકડીથી માર મારી વાળ પકડી ઢસડ્યા હતા બાદમાં ત્રણેય ભાગી ગયા હતા ગંભીર રીતે ઘવાયેલા અનિલભાઈને પ્રથમ ગોંડલ બાદ રાજકોટ ખસેડાયા હતા પરંતુ અહીં સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો મૃતક અનીલભાઈ બે ભાઈ તથા બે બહેનમાં નાના હતા તે કડિયા કામમાં લાદીકામ કરતા હતા મૃતકના મોટાભાઈ વિનોદભાઈ એડવોકેટ છે અનીલભાઈને સંતાનમાં એક દીકરો છે. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જયારે સામા પક્ષે ભગવતપરામાં જ રહેતા સાગર કાંતિભાઈ મકવાણા ઉ.21એ વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હું સંયુક્ત કુટુંબમાં રહું છું. અમો ત્રણ ભાઈઓ છીએ અમે મજુરી કામ કરીએ છીએ. ગઈકાલે તા.14ના રોજ બપોરે ઘરની સામે રહેતા રવિ સોંદરવાના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા ત્યારે સુનીલે પોતાની પતંગથી આ અનીલભાઈની પતંગનો પેચ લગાવી પતંગ કાપી નાખ્યો હતો. જેથી અનીલભાઈને સારુ ન લાગતા સુનીલને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈને અમારા અગાસી તરફ પથ્થરના ઘા કરતા હોય જેથી મારા ભાભી સંધ્યાબેને આ લોકો સાથે માથાકુટ ન થાય એટેલે મારા ભાઈને સમજાવી નીચે અમારા ઘરે લઇ આવ્યા હતા મને જાણ થઈ એટલે હું ઘરે ગયો હતો અને સુનીલને સમજાવ્યો હતો બાદમાં અનીલ તથા તેમની બહેન મીના તથા તેમની ભાણેજ નીશા અમારા ઘર પાસે આવી, જેમ ફાવે તેમ અપશબ્દો બોલતા હતા જેથી અમો ઘરની બહાર જઈને પતંગ કાપવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો ન કરવા અમે અનિલભાઈને સમજાવતા હતા. ત્યારે અનિલે ઉશકેરાઈને છરીથી મારા ભાઈ સુનીલ ઉપર હુમલો કર્યો હતો હું વચ્ચે છોડાવવા પડતા અનિલે મને પણ છરીના ઘા ઝીકી દીધા હતા મને ગુસ્સો ચડતા મેં આ અનીલભાઈ પાસે રહેલ છરી ઝુંટવી અનીલને મારતા તે ત્યાં નીચે જમીન પર પડી ગયો હતો. મીનાબેને લાકડાના પાટીયા વડે અમને માર મર્યો હતો મને, મારા પિતા, મારા ભાઈને ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા ગોંડલ સિટી પોલીસે હોસ્પિટલમાં દાખલ ત્રણેય પિતા – પુત્રો ઉપર પોલીસ જાપ્તો ગોઠવી દીધો છે.



