રાજકોટના આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ, તાવના દર્દીઓના રેપિડ ટેસ્ટ શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
કેરળ બાદ ગુજરાતમાં પણ કોરોનાનાં નવા વેરિઅન્ટની એન્ટ્રી થઈ ચુકી છે. જોકે રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાનો કોઈ કેસ સામે આવ્યો નથી, પરંતુ મનપાનો આરોગ્ય વિભાગ અત્યારથી જ સદ્દ બન્યો છે અને મનપા સંચાલિત તમામ આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. સાથે આરોગ્ય અધિકારીએ લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે. તેમજ રાજકોટ શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં પણ બાળકો માટે 100 અને એડલ્ટ માટે 40 સહિત કુલ 140 બેડનાં બે વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે. તેમજ મેડીસીન, પીડીયાટ્રીક અને ટીબી વિભાગના તબીબોની ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પ્રાપ્ત વિગત મુજબ કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં તો વધતાં જતાં કેસોને પગલે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોને એડવાઈઝરી કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં નોંધાયેલા બે કોરોનાના કેસોને પગલે સરકાર – પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં કોરોનાનાં બે કેસના પગલે હવે રાજકોટમાં પણ કોરોનાને લઈ સાવચેતી લેવામાં આવશે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની રાજ્યના તમામ આરોગ્ય મંત્રીઓ સાથેની બેઠક બાદ કોઈ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ અંગે જણાવ્યું હતું કે, કોર્પોરેશનનું તંત્ર નવા વેરિઅન્ટની સામે લડવા સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય કેન્દ્રો ખાતે આવતા દર્દીઓમાં શરદી, ઉઘરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ દર્દીઓને જરૂર જણાય તો ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ 20 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોમાંથી રેપીડ ટેસ્ટ માટે દર્દીઓને મોકલવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા હજુ સૂચનાઓ આપવામાં આવી નથી. જોકે આમ છતાં સાઉથના રાજ્યોમાં પ્રવાસ કરીને પરત ફરેલા લોકોને કોરોના જેવા લક્ષણો જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા જણાવાયું છે. 4થી 5 દિવસ પહેલા ઓક્સિજન પ્લાન્ટ, બેડની વ્યવસ્થા, ઓક્સિજન પાઈપ સહિતની મોકડ્રિલ કરવામાં આવી હતી. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા મનપા તંત્ર સક્ષમ છે. ત્યારે લોકોએ ગભરાવાની નહીં પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે રાજકોટ સિવિલનાં અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કેસ વધતા આરોગ્ય અને જિલ્લા વહિવટી તંત્રને હોસ્પિટલમાં દવા, બેડ, ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરી લેવાની સુચના આપવામાં આવી હતી. જેને પગલે રાજકોટની સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાની 81 હોસ્પિટલમાં છેલ્લા એક પખવાડીયામાં બે વખત મોકડ્રીલ કરવામાં આવી ચુકી છે. તેમજ 60 હજાર લીટર ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે જ પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસ મળી આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ તમામ તબીબોને એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે. જો કોરોનાના કેસ વધે તો રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતેનાં ઙખજઢ બિલ્ડીંગના બીજા અને ત્રીજા માળે 140 બેડની ખાસ સુવિઘા ઉપલબ્ધ કરવામાં આવી છે. એટલું જ નહીં મેડીસીન, પીડીયાટ્રીક અને ટીબી વિભાગના તબીબોની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણપણે સજ્જ છે.