ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત શહેરના વોર્ડ નં. 1થી 18માં વન-ડે, વન-વોર્ડ મુજબ સફાઇ મહાઝુંબેશ તા. 27-12-2023થી તા. 1-04-2024 સુધી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ગઈકાલે વોર્ડ નં. 15માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ વોર્ડમાંથી 62 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.15માં સફાઈ મહાઝુંબેશમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, સફાઈ કામદારો જોડાયા હતા. આ વોર્ડ નં. 15માં સફાઈ મહાઝુંબેશ અંતર્ગત દૂધસાગર રોડ, ભાવનગર હાઈ-વે, ચુનારાવાડ ચોક, અમૂલ સર્કલ, આજી ડેમ ચોક, આર.કે. ગેઈટ, 80 ફૂટ રોડ ખાતેથી 62 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ છે. અરવિંદ ઇન્ડસ્ટ્રીઝ પાસે ભાવનગર રોડ પરના વોંકળાની સફાઈ કામગીરી કરવામાં આવેલ. સમગ્ર કામગીરી કુલ-234 સફાઈ કર્મચારીઓ તથા 2 જેસીબી, 2 ડમ્પર, 3 ટ્રેક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ વોર્ડના લાખાજીરાજ ઉદ્યોગબજાર વોંકળામાં 10 લીટર ખકઘ છંટકાવની કામગીરી કરવામાં આવી હતી. વોર્ડના 225 ઘરોમાં ઇનડોર ફોગીંગની કામગીરી કરવામાં આવેલ તેમજ આજ વિસ્તારમાં 255 ઘરોમાં મચ્છર પોરા નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી તેમજ ખોડીયારપરા, લાખાજીરાજ ઉદ્યોગનગર અને મનહરપરામાં 158 ગપ્પી માછલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જનજાગૃતિ માટે આ જ વોર્ડમાં આંબેડકરનગર, મનહર સોસાયટી, શિવાજીનગર, સત્યમ પાર્ક, રામનગર, સર્વોદય સોસાયટી, ગોકુલપરા, આરાધના સોસાયટી અને વિજયનગરમાં પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. ગાર્ડન શાખા દ્વારા આ જ વોર્ડના વિવિધ વિસ્તારમાંથી 2 ટ્રેકટર મારફત ઝાડ-પાન તથા ડાળીઓના કચરાનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી અને દબાણ હટાવ શાખા દ્વારા આ જ વોર્ડના મેઈન રોડ ખાતેથી નડતરરૂપ 34 બોર્ડ-બેનરો જપ્ત કરવાની કામગીરી તેમજ રૂ.8,500/- વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. આમ, વોર્ડ નં.15માં વન-ડે, વન-વોર્ડ અંતર્ગત હાથ ધરવામાં આવેલ સફાઈ મહાઝુંબેશમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, બાંધકામ શાખા, ગાર્ડન શાખા, ટાઉન પ્લાનીંગ શાખા તથા દબાણ હટાવ શાખા દ્વારા ઉપરોક્ત વિગતે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શહેરના વોર્ડ નં. 15માં સફાઈ મહાઝુંબેશ દરમિયાન 62 ટન કચરાનો નિકાલ કરાયો
