ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના આંગણે ‘શ્રીરામ પદ્યાર્યા મારે ઘેર’ દિવ્ય અને ભવ્ય મહોત્સવનું આગામી તા. 17મી જાન્યુઆરીથી આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે મહોત્સવના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી હાજર રહ્યા હતા અને અયોધ્યા મંદિરના મહંતશ્રી કમલનયનદાસજીના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
અયોધ્યામાં જયારે આગામી 22 જાન્યુઆરીના રોજ શ્રીરામ લલ્લા પુન: બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર્રમાં જયશ્રી રામના નાદ સાથે ઉત્સવનો માહોલ સર્જાયો છે. ત્યારે આપણા રંગીલા રાજકોટના ધર્મપ્રેમી લોકો આ ઉત્સવનો ભાગ બની શકે તેવા ઉદેશ્ય સાથે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા રાજકોટના આંગણે આગામી તા. 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી “શ્રી રામ પદ્યાર્યા મારે ઘેર” પાંચ દિવસીય દિવ્ય અને ભવ્ય મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
અયોધ્યા રામ મંદિર અને શ્રીરામ લલ્લાની આબેહૂબ પ્રતિકૃતિ શહેરના ’રામ મેદાન’ (વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ) ખાતે ધર્મપ્રેમીઓ માટે દર્શનાર્થે મુકવામાં આવનાર છે. જ્યાં દરરોજ સાંજે મહાઆરતી સાથે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ માટે ’રામ મેદાન’ (વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ) ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અયોધ્યા રામ મંદિરના મહંતશ્રી કમલનયનદાસજીના વરદ હસ્તે 05 ડિસેમ્બર, શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી હાજર રહ્યા હતા. આ તકે મુકેશભાઈ દોશીએ શ્રી કમલનયનદાસજીના આશિર્વાદ મેળવી મુકેશભાઈએ ધન્યતા અનુભવી હતી. ઉપરાંત મુકેશભાઈ દોશીએ સમગ્ર મહોત્સવ અંગે શ્રી સનાતન ધર્મરક્ષક સમિતિના – ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ વાંક અને માર્ગદર્શક ભરત દોશી પાસેથી વિગતો મેળવી હતી.