સૂર્યકુંડ, વામન મંદિર, ભાણાવાવ મંદિર, ગંગનાથ મહેદેવ મંદિર સહિત સ્થળોનો થશે વિકાસ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીક આવેલ પ્રાચીન અને ઐતિહાસિક વારસો ધરાવતું એવા વંથલી શહેરમાં ઐતિહાસિક સ્થળોની જાળવણી કરવામાં રાજકીય નેતાઓ વામણા સાબિત થયા છે ત્યારે આ ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના વિકાસ માટે શહેરીજનોએ કમર કસી છે. વંથલી નગરમાં આવેલા સનાતન હિન્દુ ધર્મસ્થાનોના પુન: ઉત્થાન સંકલ્પ સાથે વંથલી સૂર્યકુંડ ખાતે એક જાહેરસભા યોજાઈ હતી, જેમાં વંથલી શહેરના વેપારીઓએ દુકાનો સ્વયંભૂ બંધ રાખી મોટી સંખ્યામાં વેપારીઓ કાર્યક્રમમાં એકત્ર થયા હતા અને ભારત માતાકી જયના નાદ સાથે સનાતન હિન્દુ સંસ્કૃતિના સંચાર માટે સંકલ્પ કર્યો હતો તેમજ આ તકે વંથલી શહેરના મામલતદાર ડી.જે.જાડેજા,ચીફ ઓફિસર દેવીબેન ચાવડા,પીએસઆઇ ડામોર, ડો. બી.કે.પુરોહિત તેમજ અન્ય અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ તકે તમામ અધિકારીઓએ વંથલીના આ ઐતિહાસિક પ્રાચીન વારસા ની જાળવણી માટે તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી જયારે જુનાગઢના ઇતિહાસવિદ, લેખક અને પ્રખર વિચારક ડો. પદ્યુમન ખાચરસાહેબે વંથલી શહેરને ભારતમાં પાંચમાં નબરનું પૌરાણિક શહેર ગણાવ્યું હતું વંથલીમાં સૂર્યકુંડ, ભાણાવાવ, ગંગનાથ મહાદેવ, પ્રાચીન જૈન દેરાસર, તેમજ વિશ્વમાં એક માત્ર ભગવાન વામન નું મંદિર વંથલીમાં આવેલ છે તેમ જણાવી આ ઐતિહાસિક ધરોહર સમાન વારસાની જાળવણી થાય અને આ સ્થળોનો વિકાસ થાય તો વંથલી શહેર એક પ્રવાસન સ્થળ તરીકે વિખ્યાત પામી શકે છે તેમ જણાવી વંથલીના આગેવાનો તેમજ શહેરીજનોને આ ભગીરથ કાર્યને પૂર્ણ કરવા આહવાન કર્યું હતું કાર્યક્રમને અંતે સૂર્યકુંડ ખાતે લોકોએ દીપ પ્રગટાવી આરતી કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.