ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
ચોકી ગામના પૂર્વ સરપંચ અને વીસીઈ વચ્ચે મારામારી થતા તાલુકા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢ તાલુકાના ચોકી ગામના 64 વર્ષીય પૂર્વ સરપંચ ભીખાલાલ વેલજીભાઈ કોટડીયાની ફરિયાદ અનુસાર તેઓએ સરકારી સબસીડીમાં ઝટકા મશીન લીધું હોય જેથી તેમાં 8/અની જરૂર હોવાથી રવિવારે બપોર પછી ગ્રામ પંચાયત ઓફિસમાં કામ કરતા વીસીઈ કેતન મોહનભાઈ સોલંકી પાસે પોતાની જમીનના 8/અ કઢાવવા માટે ગયા હતા. ત્યારે ભીખાભાઈએ કેતન સોલંકીને ખેડુતોના પાક સહાયના ફોર્મ ભરવામાં રૂપિયા લેતા હોવાની ફરીયાદ આવેલ હોવાનું જણાવ્યું હતું.
જેથી કેતને ઉશ્કેરાઈ જઈને ઉગ્રતાથી વાતચીત કરી ફોન કરીને તેના કુટુંબીઓને બોલાવતા તેના સંબંધી નીતાબેન પ્રવીણભાઈ સોલંકીએ આવી ઉગ્ર થઈને વાત કરવા લાગ્યા હતા અને પછી તે બંનેએ બહાર બોલાવી કેતનના માતા-પિતા, તેનો ભાઈ રજની, પ્રવીણ ચના સોલંકીએ આવી પંચાયત ઓફીસનો ડેલો બંધ કરી તમામે ખરાબ વર્તન કરી ગાળો કાઢી ઝપાઝપી કરી હતી અને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સામા પક્ષે કેતનભાઈ મોહનભાઈ સોલંકી પંચાયત ઓફિસમાં પોતાનું કામ કરતા હતા ત્યારે ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયાએ આવી તારે ગામમાંથી પૈસા નથી લેવાના તારે ફોર્મ ફ્રીમાં ભરવાના છે તેમ કહી તેમ કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા જેથી નિતાબેન પ્રવીણભાઈ સોલંકીને બોલાવતા તેઓ આવી સમજાવતા હતા એવામાં ઢીકાપાટુનો ઢોર માર માર્યો હતો. બનાવ અંગે બંને પક્ષે સામસામી ફરિયાદ કરતા તાલુકા પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢના ચોકી ગામે પૂર્વ સરપંચ અને VCE વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ



