યોગીશ્રી નાથાભાઈ જોષી પાસે એક ભાઈ આવ્યા, તે રેલ્વે કર્મચારી હતા. એમની દસેક વર્ષની પુત્રીનું સર્પ દંશથી અવસાન થયું હતું. ઘેરા વિષાદમાં ડૂબેલા એ પિતાએ શ્રી નાથાભાઈને પૂછ્યું, મારી કુમળી દીકરી સાથે જ આવું શા માટે થયું? તે ભંડકીયામાં છાણા લેવા ગઈ તો કાળોતરો કરડ્યો. સાપે એટલા જોરથી દાઢ બેસાડી કે છોકરીએ હાથ ખેંચી લીધો તો સાપ ક્યાંય સુધી ખેંચાઈ આવ્યો. એ પહેલા થોડી જ વારે મારા મા છાણા સરખા કરવા ગયા હતા પણ તેમણે સાપ નહોતો જોયો. મારી દીકરી સાથે જ આવું શા માટે બન્યું?
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
કવિ મકરંદ ભાઈએ પણ શ્રી નાથાભાઈને પૂછ્યું, આવા અઘટિત અને અકાળ મૃત્યુનો કોઈ ખુલાસો મળી શકે ખરો?
યોગીશ્રી એ જવાબ આપ્યો, આ વિશ્વમાં કંઇ અકારણ નથી, અહેતુક નથી અને અચાનક પણ નથી. દરેકના કાર્ય-કારણની સાંકળ અદીઠ રીતે વણાઈ ગઈ હોય છે.
- Advertisement -
પછી શ્રી નાથાભાઈએ પેલા વિષાદ ગ્રસ્ત માણસને પૂછ્યું, તમે આ પહેલા ફલાણા ગામના સ્ટેશન માસ્ટર તરીકે કામ કરતા હતા? ત્યાં તમારા નિવાસની સામે એક લીમડો હતો? લીમડા નીચે પાણીની નાંદ હતી? ત્યાં તમે બકરી બંધાતા હતા? એ જગ્યાની પાસે એક બગીચો હતો? ત્યાં તમારી દીકરી ફૂલો ચૂંટવા જતી હતી? આ બધા સવાલોના જવાબો હકારમાં મળ્યા. પેલો માણસ સ્તબ્ધ થઇ ગયો.
હવે યોગીશ્રી એ પૂર્વ જન્મનું વૃત્તાંત જણાવ્યું., તમારી નિર્દોષ નાની બાળા પૂર્વ જન્મમાં પણ સ્ત્રી હતી. તેણે એક માણસને ઝેર દઈ મારી નાખ્યો હતો, એનું વેર લેવા તે સર્પ થયો. આ પહેલા તમે જે સ્થળે નોકરી કરતા હતા ત્યાં આ સર્પે તમારી દીકરીને બગીચામાં દંશ દેવા પ્રયત્ન કર્યો હતો પણ સમય પાક્યો ન હોવાથી તે ફાવ્યો ન હતો. પછી બદલી પામીને તમે અહીં આવ્યા. સર્પ પણ માલગાડીના વેગનમાં ચડીને અહીં ઉતાર્યો. પ્રકૃતિની શક્તિ અનંત છે અચૂક છે. તે પોતાનો હિસાબ પતાવે ત્યારે જ જંપે છે. માણસનું વેર-ઝેર એને કેટલી અધમ કક્ષાએ ખેંચી જાય છે એ તમે જોઈ શકો તો વેર વૃત્તિને કદી અંતરમાં સ્થાન ન આપો.
ભૂતકાળની આટલી વાત કરી અને પછી શ્રી નાથાભાઈએ ભવિષ્યનું સુચન કર્યું, તમારી દીકરીના મરણથી દુ:ખી ન થશો. તમારી સાથે એનો ઋણાનુબંધ હજુ છે જ. તમારે ત્યાં એ ફરી વાર દીકરી તરીકે જન્મ લેશે. એ જ દીકરી તમારે ત્યાં ફરી વાર આવી છે એની નિશાની પણ તમને આપું છું. એના પગે એક નાનકડો ડાઘ હશે. શિવ ગુરુની કૃપા હો! આ ભવિષ્યવાણી શબ્દશ: સાચી પડી હતી.
- Advertisement -
નરસિંહ મહેતા જેવા સીધા-સાદા અને ઈશ્વર ભક્તિમાં લીન એવા સજ્જન જીવાત્માઓને પણ સારી-નરસી ઘટનાઓનો સામનો કરવો પડે છે. ગંભીર અકસ્માતો, બીમારીઓ, સ્વજનનું મૃત્યુ આવું બધું આપણને ભાંગી ન નાખે એ માટે ચિત્રગુપ્તનો ચોપડો, કર્મનો સિદ્ધાંત અને ઋણાનુબંધ ધ્યાનમાં રાખવા જોઈએ.