ચિત્રા પબ્લિસીટીના માલિકો ચીફ ઑફિસરની નોટિસને પણ ગણકારતા નથી !
પોલીસ દ્વારા ચિત્રા પબ્લિસિટીને નોટિસ આપવાની તજવીજ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરની સરા ચોકડીએ લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ મંજૂરી વગર ઉભા કરેલા હોય અને જોખમકારક સ્થિતિમાં પણ છે, ત્યાંથી અવર જવર કરતા લોકો માટે આ હોર્ડિંગ્સ અસુરક્ષિત હોવાના ’ખાસ-ખબર’ માં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ નગરપાલીકાએ આ હોર્ડિંગ્સ હટાવી લેવા માટે હોર્ડિંગ્સના કોન્ટ્રાકટરને સાત દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું જે સમય પૂર્ણ થયાને આજે એક સપ્તાહ વિતી જવા છતાં પણ ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર ચિત્રા પબ્લિસીટીના માલિકો ટસના મસ ન થતા હવે હળવદ પોલીસ દ્વારા પણ નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાની જાણકારી મળી રહી છે.

હળવદ શહેરની સરા ચોકડીએ ચિત્રા પબ્લિસીટી દ્વારા ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલ હોર્ડિંગ્સ હટાવી લેવા માટે નગરપાલિકા દ્વારા ગત તા. 30 જાન્યુઆરીના રોજ નોટીસ આપીને સાત દિવસનું ચિત્રા પબ્લિસીટીને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ આજદીન સુધી ચિત્રા પબ્લિસીટી દ્વારા ગેરકાયદેસર જોખમી હોર્ડિંગ્સ હટાવવામાં નહીં આવતા હળવદ પોલીસ દ્વારા ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર કંપનીને નોટિસ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું હળવદ પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે નગરપાલિકાએ આપેલ સાત દિવસનું અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ બીજા સાત દિવસ વિતવા છતાં પણ હોર્ડિગ્સ લગાવનાર કંપની નગરપાલિકાની નોટિસને ઘોળીને પી ગઈ હોય તેવી લોકચર્ચાઓ જાગી છે ત્યારે હળવદની સરા ચોકડી પાસે લગાવેલા હોર્ડિંગ્સથી કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ ?



