કારવારના સંવેદનશીલ નેવલ ઝોન પાસે સીગલ પર ચાઈનીઝ બનાવટનું જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું. સુરક્ષા અને વન અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. પ્રારંભિક તારણો વૈજ્ઞાનિક સંશોધન સૂચવે છે, જાસૂસી નહીં. ગત વર્ષે પણ આવી જ ઘટના બની હતી. વ્યૂહાત્મક સ્થાનને કારણે સત્તાવાળાઓ સાવચેતી રાખી રહ્યા છે. આગળની કાર્યવાહી સંશોધન સંસ્થાના પ્રતિભાવો પર આધારિત છે.
કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી (સીગલ) મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ પક્ષીના શરીર પર ચીની બનાવટનું GPS ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું હતું. આ ઘટના એટલા માટે ગંભીર માનવામાં આવી રહી છે કારણ કે કારવાર વિસ્તાર ભારતીય નૌસેનાના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના અને સંવેદનશીલ મથકની અત્યંત નજીક છે.
- Advertisement -
સ્થાનિકોને શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો
કારવારના થિમ્મક્કા ગાર્ડન પાસે દરિયાકિનારે સ્થાનિક લોકોએ એક સીગલ પક્ષી જોયું હતું, જેના શરીર પર કોઈ અજીબ વસ્તુ લાગેલી હતી. શંકા જતાં લોકોએ તાત્કાલિક વન વિભાગની મરીન વિંગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ પક્ષીને પકડીને તપાસ કરતા તેના શરીરેથી GPS ટ્રેકર મળી આવ્યું હતું.
ટ્રેકર પર મળ્યા ચીની સંસ્થાના નિશાન
- Advertisement -
પ્રાથમિક તપાસમાં ટ્રેકર પર કેટલાક કોડ અને નિશાનો જોવા મળ્યા છે. આ ડિવાઈસ ચીનની ‘ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ’ હેઠળ આવતા ‘રિસર્ચ સેન્ટર ફોર ઈકો-એન્વાયરમેન્ટલ સાયન્સ’ સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. આ સંસ્થા પક્ષીઓના સ્થળાંતર અને પર્યાવરણ પર સંશોધન કરે છે.
જાસૂસી કે વૈજ્ઞાનિક સંશોધન?
પોલીસ અને વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી આ ઘટના જાસૂસી સાથે જોડાયેલી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. એવું માનવામાં આવે છે કે આ ટ્રેકર પક્ષીઓના પ્રવાસ માર્ગ અને ખાવા-પીવાની આદતોનો અભ્યાસ કરવા માટે લગાવાયું હશે. જોકે, નજીકમાં જ INS કદમ્બા નૌસેનિક મથક આવેલું હોવાથી સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.
અગાઉ પણ બની છે આવી ઘટના
નોંધનીય છે કે કારવારમાં આ બીજી ઘટના છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ બૈતકોલ બંદર પાસે એક વૉર ઈગલમાંથી ટ્રેકિંગ ડિવાઈસ મળી આવ્યું હતું, જે પાછળથી વન્યજીવ સંશોધનનો ભાગ હોવાનું ખુલ્યું હતું. હાલમાં પક્ષીને મરીન ફોરેસ્ટ ઓફિસમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. ભારતીય અધિકારીઓ હવે ચીની સંશોધન સંસ્થાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી જાણી શકાય કે આ પ્રોજેક્ટ શું હતો અને પક્ષી ભારતની સીમામાં કેવી રીતે પહોંચ્યું.




