-અમેરિકાએ સાજિદ માટે 50 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યુ છે
ચીને સાજિદ મીરને વૈશ્વીક આતંકવાદી જાહેરાત કરતા પ્રસ્તાવને ફરી રોકી દીધો છે. આ પ્રસ્તાવને ભારત અને અમેરિકાએ રજૂ કર્યો હતો. સાજિદ મીર પાકિસ્તાની આતંકવાદી છે, જે 26/11ના મુંબઈ હુમલામાં સામેલ હતો. ચીન પહેલા પણ સાજિદને વૈશ્વીક આતંકવાદી જાહેર કરતા પ્રસ્તાવને રોકી ચૂક્યું છે. સાજિદ મીર અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈના મોસ્ટ વોન્ટેડમાં સામેલ છે. અમેરિકાએ તેના પર 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કરેલું છે. પાકિસ્તાન સાજિદ મીર તેના દેશમાં હોવાનો કાયમથી ઈનકાર કરતું રહ્યું છે.
- Advertisement -
પાકિસ્તાનનો દાવો છે કે, સાજિદ મીરનું મોત થઈ ચૂક્યું છે. જોકે, ગુપ્તચર રિપોર્ટમાં જણાવાયું છે કે, સાજિદ મીર જીવતો છે અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની કસ્ટડીમાં છે. ગત વર્ષે જાપાનના મીડિયા નિક્કેઈ એશિયાના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, સાજિદ મીર જીવતો છે. રિપોર્ટમાં એફબીઆઈના એક અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે, સાજિદ મીર જીવિત છે, કસ્ટડીમાં છે અને તેને સજા કરવામાં આવી છે. જોકે, પાકિસ્તાની અધિકારીઓનો દાવો છે કે સાજિદ મીર મરી ચૂક્યો છે. પાકિસ્તાને સત્તાવાર રીતે ભારતને સાજિદ મીરના મોત અંગેની વાત જણાવી છે.
પાકિસ્તાને કહ્યું હતું કે, સાજિદનું મોત થઈ ચૂક્યું છે કે પછી તે ક્યાં છે તે અંગે કંઈ જાણવા નથી મળી રહ્યું.ઉલ્લેખનીય છે કે સાજિદ મીર લશ્કર એ તૈયબાનો ખૂંખાર આતંકવાદી છે. ભારત અને અમેરિકા સાજિદ મીરને એક દાયકાથી શોધી રહ્યા છે. તેણે ડેવિડ કોલમેન હેડલી સાથે મળીને મુંબઈમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી. સાજિદ મીરને લશ્કરના ચીફ હાફિઝ સઈદની નજીકની વ્યક્તિ મનાય છે. હાફિઝ સઈદ અને લશ્કર એ તૈયબા પર સંયુક્ત રાષ્ટ્ર પહેલા જ પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.



