ભારતના જડબાતોડ જવાબ બાદ ચીને પ્રતિક્રિયા આપી, ચીને તેને “કાયદા અનુસાર સાર્વભૌમત્વની સામાન્ય કવાયત” તરીકે વર્ણવ્યું
ચીને તાજેતરમાં ‘સ્ટાન્ડર્ડ મેપ ઓફ ચાઇના’ ની 2023 આવૃત્તિ બહાર પાડી, જેમાં તેણે અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને તેના ભાગ તરીકે દર્શાવ્યું છે. ભારતે તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રી જયશંકર પ્રસાદે આને ચીનની જૂની આદત ગણાવીને કહ્યું કે, માત્ર વાહિયાત દાવા કરવાથી અન્ય લોકોના પ્રદેશો તમારા નથી બની જતા. ભારતના જડબાતોડ જવાબ બાદ ચીને પ્રતિક્રિયા આપી છે. ચીને તેને “કાયદા અનુસાર સાર્વભૌમત્વની સામાન્ય કવાયત” તરીકે વર્ણવ્યું છે.
- Advertisement -
ચીનના વિદેશ મંત્રાલયે શું કહ્યું ?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, 28 ઓગસ્ટના રોજ પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે 2023નો માનક નકશો જાહેર કર્યો. કાનૂની સાર્વભૌમત્વ પ્રક્રિયાના ભાગરૂપે ચીનમાં આ નિયમિત પ્રથા છે. અમે આશા રાખીએ છીએ કે સંબંધિત પક્ષો આ મુદ્દા પર ઉદ્દેશ્ય રહેશે અને શાંતિથી કામ કરશે. સંબંધિત પક્ષોએ આ મુદ્દાનું વધુ પડતું અર્થઘટન ટાળવું જોઈએ.
વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું?
હકીકતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના નવા ‘નકશા’ને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. જયશંકરે કહ્યું કે, આ પ્રકારના નકશા જાહેર કરવા ચીનની જૂની આદત છે. તેમના દાવાઓથી કંઈ થતું નથી. વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ચીને નકશામાં જે વિસ્તારોને પોતાના તરીકે દર્શાવ્યા છે, તે તેમનો નથી. આવું કરવું ચીનની જૂની આદત છે. અક્સાઈ ચીન અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે. આ પહેલા પણ ચીન ભારતના ભાગોને લઈને નકશા બહાર પાડી રહ્યું છે. તેના દાવાઓથી કંઈ થતું નથી. અમારી સરકારનું વલણ સ્પષ્ટ છે. નકામા દાવા કરવાથી એવું થતું નથી કે, બીજાના વિસ્તારો તમારો થઈ જશે.
રાહુલ ગાંધીએ PM મોદી પર સાધ્યું નિશાન
આ દરમિયાન ચીનના નવા નકશાને લઈને ભારતમાં રાજકીય વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, PM મોદીએ આના પર જવાબ આપવો જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું, હું વર્ષોથી કહેતો આવ્યો છું કે, PMએ જે કહ્યું કે લદ્દાખમાં એક ઇંચ પણ જમીન ગઈ નથી તે જૂઠ છે. સમગ્ર લદ્દાખ જાણે છે કે ચીને અતિક્રમણ કર્યું છે. નકશાનો મુદ્દો ગંભીર છે. વડાપ્રધાને તેના વિશે કંઈક કહેવું જોઈએ.
- Advertisement -
ભારતમાં જ્યારે G-20 સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે ચીને તેનો નવો માનક નકશો જાહેર કર્યો છે. મહત્વનું છે કે, ગયા અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે “અનૌપચારિક વાતચીત” થઈ હતી. જે બાદ ચીને નકશો જાહેર કર્યો હતો.
ચીને એપ્રિલમાં અરુણાચલમાં 11 સ્થળોના નામ બદલ્યા
આ પહેલા એપ્રિલ 2023માં ચીને પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલ્યા હતા. ચીને છેલ્લા 5 વર્ષમાં ત્રીજી વખત આવું કર્યું છે. આ પહેલા ચીને 2021માં 15 અને 2017માં 6 સ્થળોના નામ બદલ્યા હતા.