શિયાળાની પ્રથમ શીત લહેરમાં લોકો ધુ્રજયા : ન્યૂનતમ તાપમાન સડસડાટ નોર્મલ કરતા 1થી 5 ડિગ્રી નીચે ઉતર્યું
નર્મદામાં 7.2, નલીયામાં 7.6 અને દાહોદમાં 9.8 ડિગ્રી તાપમાન : રાજકોટ, વડોદરા અને દીવમાં તાપમાન નોર્મલ કરતા 4 ડિગ્રી નીચું : લોકો સ્વેટર, જેકેટમાં દેખાવા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શિયાળાની ઠંડીની પ્રતિક્ષા પૂર્ણ થઇ હોય તેમ આજે રાજયમાં ઠંડીએ ચમકારો દેખાડયો હતો અને અનેક શહેરોમાં તાપમાન નોર્મલ કરતા 1 થી 5 ડિગ્રી નીચે ઉતરી ગયું હતું. નલિયા નર્મદા તથા દાહોદમાં તાપમાન સીંગલ ડિજીટમાં ઉતરી ગયું હતું જયારે રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયુ હતું જે નોર્મલ કરતા ચાર ડિગ્રી ઓછું હતું. રાજયમાં ઓછું હજુ એકાદ બે દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજયના હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે આજે રાજયમાં સૌથી ઠંડુ શહેર નર્મદા બન્યું હતું જયાં ન્યુનતમ તાપમાન 7.2 ડિગ્રી નોંધાયું હતું. નલીયામાં 7.6 ડિગ્રી તથા દાહોદમાં 9.8 ડિગ્રી નોંધાયું હતું. લગભગ તમામ શહેરોમાં તાપમાન નોર્મલ કરતા 1 થી 5 ડિગ્રી નીચે ઉતરી ગયું હતું. નલીયામાં નોર્મલ કરતા પાંચ ડિગ્રી, દિવ, રાજકોટ અને વડોદરામાં નોર્મલ કરતા 4 ડિગ્રી નીચુ તાપમાન નોંધાયુ હતું. રાજયના મુખ્ય શહેરોના ન્યુનતમ તાપમાનના આંકડા ચકાસવામાં આવે તો વડોદરામાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13.3 ડિગ્રી, ભાવનગરમાં 12.8 ડિગ્રી, ભુજમાં 12.2 ડિગ્રી, દમણમાં 15 ડિગ્રી, ડાંગમાં 10.3 ડિગ્રી, ડિસામાં 10.6 ડિગ્રી, દ્વારકામાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 12.4 ડિગ્રી, જામનગરમાં 15.7 ડિગ્રી, કંડલમાં 16 ડિગ્રી, ઓખામાં 21.7 ડિગ્રી, પોરબંદર 14.2 ડિગ્રી, સુરતમાં 14.4 ડિગ્રી, વેરાવળમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રાજયમાં શિયાળાના પ્રથમ ઠંડીનો ચમકારો અનુભવાયાના પગલે લોકો ધ્રુજી ઉઠયા હતા અને સવારથી સ્વેટર, મફલર અને જાકીટમાં જોવા મળ્યા હતા. હવામાન નિષ્ણાંતો દ્વારા બે-ત્રણ દિવસ શીત લહેર રહેવાની આગાહી કરવામાં આવી હોવાથી હજુ એકાદ બે દિવસ ઠંડીનું જોર રહેવાનું માનવામાં આવી રહ્યું છે. રાત્રીના સમયે ઠેકઠેકાણે તાપણા પણ દેખાવા લાગ્યા હતા. જામનગરમાં 24 કલાકમાં ઠંડીનો પારો 1.5 ડિગ્રી ગગડયા બાદ 14.5 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રી ઘટાડા સાથે 28.5 ડિગ્રી રહ્યું હતું. લઘુતમ તાપમાન આંશિક ઘટતા ઠંડી યથાવત રહી હતી. જામનગરમાં સોમવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વધુ 1.5 ડિગ્રીના ઘટાડા સાથે ન્યૂનતમ તાપમાન 14.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું.શહેરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી હતી. શહેરીજનો ગરમ વસ્ત્રોમાં વિટોળાયા હતા.વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં 35 ટકાનો ધટાડો થતા 52 પહોચ્યું હતું.તો સુસવાટા મારતા પવનની ગતિમાં આંશિક ધટાડો થયો હતો. આજે સવારે લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી અને મહતમ તાપમાન 28.5 ડિગ્રી નોંધાયું હતું.