સીઝનનો પ્રથમ 4000 ભારી માલ ઠલવાયો: પૂજા વિધિ કરતા ચેરમેન-વેપારી પ્રમુખ: સરેરાશ ભાવ રૂા.3000 થી 6000 બોલાયા
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝન ની સૌ પ્રથમ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 3500 થી 4000 ભારી ની આવક નોંધાઈ છે.
- Advertisement -
ભારતભરમાં પ્રખ્યાત
સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી જેવા કે, રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જીલ્લા માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા મરચાને લઈને જાણીતું છે. અહીં નું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સિઝન સૌ પ્રથમ આવક કરવામાં આવી હતી યાર્ડમાં આજરોજ અંદાજે 3500થી 4000 ભારીની આવક થવા પામી હતી. હરરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચા ના ભાવ 3000 થી 6000 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાની 1 ભારીના રેકોર્ડબ્રેક ભાવ 23113 સુધી બોલાયા હતા.
પૂજા વિધિ કરી હરાજી શરૂ કરવામાં આવી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગતરોજ સાંજે મરચાની સિઝનની સૌ પ્રથમવાર આવક શરૂ કરવામાં આવી હતી અંદાજે 400થી વધુ વાહન યાર્ડની બન્ને બાજુ લાંબી કતાર લાગી જવા પામી હતી. આજરોજ સવારે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, દલાલ મંડળના પ્રમુખ યોગેશભાઈ ક્યાડા દ્વારા સૌ પ્રથમ મરચાની હરાજી મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત ખેડૂત, વેપારી અને ઓકસમેન ને કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા. અને શ્રીફળ વધેરી મરચાની હરાજી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી હતી. મુહૂર્તમાં 1 ભારીના રેકોર્ડબ્રેક રૂ. 23113 ભાવ અનિડા ભાલોડી ગામના ખેડૂત સંદીપભાઈ હરિભાઈ ભાલોડીને મુહૂર્તના ભાવ મળ્યા હતા અને બીલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશભાઈ રૂપારેલીયા નામના વેપારી દ્વારા મુહૂર્તનો ભાવ બોલાયો હતો.
યાર્ડના ચેરમેન દ્વારા અપીલ
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. તેમજ હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ આવક થઈ છે ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું,રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટી ના મરચા નું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચા નો પાક સુકવી ને લઈને આવે જેથી કરી ખેડૂતોને પોતાના પાકનો વધુ સારો ભાવ મળે તેવી યાર્ડના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી.
- Advertisement -
અન્ય રાજ્યો
ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.