ગુજરાતમાં 2023માં નવા નિયમથી જ ધો.1માં એડમિશન મળશે
શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફરી ટકોર કરાઈ
હવેથી ગુજરાતમાં બાળકોના એડમિશનનો નિયમ બદલાયો છે. નવા વર્ષથી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી જે બાળકો 6 વર્ષનાં ના થયાં હોય એવાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ નહિ મળે. રાજ્યના સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને તમામ પ્રાથમિક શાળાઓને આ નિયમની જાણકારી આપવાની સૂચના આપી છે. 1 જૂને જે બાળકને છઠ્ઠું વર્ષ પૂર્ણ ના થયું હોય તે બાળકને પહેલા ધોરણમાં પ્રવેશ નહીં અપાય. સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24 માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે તો પ્રવેશ આપી શકાશે નહિ.
હાલ ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. અનેક વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધોરણ-1 માં પ્રવેશ કરે છે. ત્યારે ગુજરાતમાં ધોરણ 1ના એડમિશન માટે નિયમ બદલાઈ ગયો છે. શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામા આવી છે કે, 2023 થી ધોરણ-1મા એડમિશનનો નિયમો બદલાયો છે. જે મુજબ 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ-1માં પ્રવેશ મળશે. ત્યારે હવે એડમિશન લેવા જનારા વાલીઓ આ બાબતનું ખાસ ધ્યાન રાખે. બાળકમાં પ્રવેશ મામલે અનેક કિસ્સાઓમાં વાલીઓ અને શાળાઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે, ઘર્ષણ ના થાય, કોઈ વાલીએ ફરી પોતાના બાળકને કોઈ એક જ વર્ગમાં અભ્યાસ ના કરાવવો પડે એ માટે શિક્ષણ વિભાગે ફરી એકવાર તમામ જિલ્લા શિક્ષણાધિકારીને નોટિફિકેશન અંગે તમામ શાળાઓને માહિતગાર કરવા જાણ કરી છે.