ગટરના ગંદા પાણીની પણ રેલમછેલ: પગલા લેવા માંગણી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
વાંકાનેર તાલુકાના લાલપર ગામે આવેલ આંગણવાડીના મકાન સામે જ પાણી ભરાતું હોઈ નાના ભુલકાઓને બાલ મંદિર કેન્દ્રમાં આવવા-જવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે… જાણવા મળ્યા મુજબ લાલપર ગામે આવેલ આંગણવાડીના મકાનના પ્રવેશ દ્વાર પાસે જ ચોમાસામાં ઢીંકણ સમાણા વરસાદના પાણી ભરાઈ રહેતા હોવાથી જતા-આવતા બાળકોને પાંચચા ચડાવીને પસાર થવું પડી રહ્યું છે.કયારેક તો પાણીના વધુ પ્રવાહને લીધે બાલ મંદિરમાં પણ પાણીનો ભરાવો થઈ જતા સંચાલિકાને ડોલ લઈને પાણી ઉલેચવું પડે છે.અધૂરામાં પુરૂં ઠેઠ રોડથી આંગણવાડીના પગથિયાં સુધી ભરાતા પાણીની લંબાઈથી બચવા બાળકો પ્રવેશ દ્વાર પાસે ગટર દીવાલની પાળી પર ચાલીને જતા હોય છે.
- Advertisement -
ત્યારે બાળક લપસીને પડી જાય અને હાથ-પગ ભાગે તેવી પણ શકયતા છે. આંચકા આપનારી હકીકત એ છે કે ગટરનું પાણી પાઈપ સાંકડો હોઈ ભરાઈ રહે છે,એક તો ગટરનું પાણી અને બીજું વરસાદી પાણી પાણીનું વહેણ ગટરને બદલે બાલ મંદિરના પ્રાંગણ તરફ ફંટાય છે કોઈ દુર્ઘટના ઘટે તેવી શકયતા છે. બાલમંદિરનું મકાન જયારે બનાવ્યું ત્યારે ભરતી ભરીને રોડથી વધુ ઉંચાઈએ બનાવવાની જરૂર હતી.ગટરના ગંદા પાણીનું વહેણ અટકે નહીં તે માટે ગટરમાં અને ફરતે ઉગેલા બાવળીયા કાઢવાની,પાઈપ મોટા ગાળાના નાખવાની ગટર પાણીનું વહેણ સુવ્યવસ્થિત કરવાની અને રોડથી આંગણવાડીના ફળિયા સુધી તાસ નાખવાની જરૂર છે..તંત્ર જાગશે? તેવો પ્રશ્ર્ન ઉઠેલ છે.



