1997માં બનેલી આંગણવાડીની છત જર્જરિત: ગમે ત્યારે પડવાની ભિતી
બાલ આંગણવાડીની મરામત કરવા જ્યારે જ્યારે માંગણી કરવામાં આવે છે ત્યારે પીછડા મારી સંતોષ માનવામાં આવે છે
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.21
તાલાલા તાલુકાનાં મંડોરણા ગીર ગામની ત્રણ નંબરની બાલ આંગણવાડી ની છત જર્જરીત થઈ ગઈ હોય નાનાં ભુલકાઓ ભયનાં ઓથાર હેઠળ અભ્યાસ કરે છે.વારંવારની રજૂઆત છતાં પણ આંગણવાડી ની યોગ્ય મરામત કરવા તંત્ર ધ્યાન આપતું ન હોય આળશુ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળે છે. મંડોરણા ગીર ગામમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે ગામના નાનાં ભૂલકાંઓને અભ્યાસ માટે ગામમાં ત્રણ આંગણવાડી આવેલ છે જે પૈકી ત્રણ નંબરની આંગણવાડી જર્જરિત થઇ ગઈ હોય છત માંથી વારંવાર પોપડા પડે છે તેમજ ચોમાસામાં વરસાદનું પાણી પડતું હોય આંગણવાડી માં બેસવું કઠીન બની ગયું છે.બાલ આંગણવાડી 1997-98 માં બની છે.27 વર્ષ પહેલાં બનેલ બાલવાડી જુની અને ખુબજ જર્જરીત થઈ ગઈ હોય ચોમાસામાં છત માંથી પોપડા પડવાનાં બનાવો રોજીંદા બની ગયા છે.ચોમાસામાં છત ગમે ત્યારે તુટવાની ભિતી વ્યક્ત થઈ રહી છે.બાલવાડીની મરામત માટે જ્યારે જ્યારે રજુઆત કરવામાં આવે છે ત્યારે અભ્યાસ કરતા ભુલકાઓ ભયમુક્ત બને તેવી રીતે મરામત કરવાનાં બદલે સામાન્ય મરામત કરી ચુના નાં પીછડા મારી અધિકારીઓ મરામત થઈ ગયાનો સંતોષ માનતા હોય અધિકારીઓની કામગીરી સામે ગામમાં કચવાટ જોવા મળે છે. ત્રણ દાયકા જૂની ગામની જર્જરીત બાલવાડી નું તુરંત યોગ્ય મરામત કરી બાલવાડી માં અભ્યાસ કરતાં ભુલકાઓનો ભય દૂર કરવા પ્રબળ લોક માંગણી ઉઠી છે.