દર વર્ષે ચોમાસાની સીઝનમાં કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
એક તરફ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ થકી ગ્રામ્ય વિસ્તારોની શાળા ખાતે બાળકો વધુમાં વધુ પ્રવેશ મેળવે તે માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં બાળકોને સ્કૂલે તો જવું છે પરંતુ ઉબડખાબડ રસ્તા અને વરસાદી પાણીના લીધે વાલીઓને પોતાના વ્હાલસોયા બાળકોને સ્કૂલે મોકલવા માટે મન માનતું નથી. ત્યારે આ પ્રકારે મૂળી તાલુકાના દાધોળીયા ગામે ચોમાસાની સિઝનમાં દર વર્ષે વરસાદી પાણી ભરાઈ રહે છે. મેઈન બજારમાં સામાન્ય વરસાદે પણ પાણી ભરવાના લીધે કાદવ અને કીચડનું સામ્રાજ્ય ઊભું થાય છે જેના લીધે અહીંના સ્થાનિકોને નીકળવું ખુબ જ મુશ્કેલ બને છે આવી સ્થિતિમાં બાળકોને પણ સ્કૂલ તરફ જવા દેવા માટે વાલીઓ રાજી થતા નથી. દર વર્ષે ચોમાસાના ચાર મહિના દાધોળિયા ગામે વરસાદી પાણીનો ભરાવો થાય છે અને ચાર મહિના સુધી કેટલાક બાળકોને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે કેટલાક બાળકો સ્કૂલે જતા હોય તેઓ પણ સ્કૂલે પહોચ્યા પહેલા જ કાદવ અને કીચડમાંથી પસાર થતા યુનિફોર્મ ખરાબ થાય છે. જેના લીધે મોટાભાગે આ બાળકોના માતા પિતા પોતાના વ્હાલસોયા બાળકોને સ્કૂલે મોકલવા માટે ટાળે છે. આ અંગે ગ્રામજનો દ્વારા તંગી અને પંચાયતને અનેક રજુઆત કરી છે પરંતુ તંત્રના બહેરા કાને ગ્રામજનોની રજૂઆત પહોંચી શકી નથી અને આજેય દાધોળિયા ગામે પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે.