ગર્ભ પરિક્ષણ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન હાઇકોર્ટનો ચુકાદો
ખાસ-ખબર સંવાદદાતા
‘ગર્ભસ્થ શિશુની જાતિ (લીંગ) ની તપાસ એ સમાજ સામેનો ગંભીર પ્રકારનો ગુન્હો છે અને આવા કેસોમાં અપરાધીઓ સાથે સમાધાન થઈ ગયુ હોવાની ફરીયાદીની રજુઆતને ગ્રાહ્ય રાખી શકાય નહિં. પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનિકસ એકટ હેઠળના ગુન્હામાં સમાધાનની ફોમ્ર્યુલાને હાઈકોર્ટના જસ્ટીસ ગીતા ગોપીએ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો હતો અને ઉકત મહત્વપૂર્ણ અવલોકન સાથે હોસ્પીટલના પૂર્વ ડીરેકટર સહીતનાં આરોપીની ફરીયાદ રદ કરવાની અરજી ફગાવી કાઢી હતી. હાઈકોર્ટે નોંધ્યુ હતું કે આવા ગુન્હા અક્ષમ્ય છે અને તેમાં સમાધાનનો કોઈ અવકાશ રહેતો નથી.
સમાજમાં આજે પણ દીકરીના જન્મને સહજ રીતે સ્વીકાર કરવામાં આવતો નથી અને એવો જ એક દાખલારૂપ કિસ્સો હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો. જેમાં પરીણીતાના ગર્ભમાં રેલા ભ્રુણની તપાસ કરાવવા માટે પતિ અને સાસરીયાઓ દ્વારા તમામ હદ વટાવી કાઢવામાં આવી હતી અને અમદાવાદની દર્શન હોસ્પીટલમાં બળજબરીથી ગર્ભપાત કરાવવામાં આવ્યુ હતું. જેનાં પરીણામે પીડીતા મૃત્યુ પામી હતી આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં હોસ્પીટલ સતાવાળા સહિતના આરોપીઓ સામે પીડીતાની માતાએ ફરીયાદ નોંધાવી હતી. જોકે ત્યારબાદ માતા તરફથી હાઈકોર્ટ સમક્ષ એક સોગંદનામું કરીને એવી રજુઆત કરાઈ હતી કે હવે તેઓ આરોપીઓ સામે આગળ કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી. રાજય સરકારે આ સમાધાનનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે જો આ પ્રકારનાં ગંભીર કેસોમાં પીડીત કે ફરીયાદી દ્વારા આરોપીઓ સાથેના સમાધાનને સ્વીકારી લેવામાં આવે તો ગર્ભમાં રહેલા શીશૂની જાતિની તપાસ કરાવવા માટે મહિલાનાં સાસરીયાઓને અને તબીબોને ખોટુ પ્રોત્સાહન મળશે.



