શહેરની જરૂરિયાત બાબતે આગેવાનો પાસેથી અભિપ્રાય લે તેવી સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
મોરબી મહાનગર પાલિકા બન્યા બાદથી રાજ્ય સરકાર દ્વારા મોરબી અને નવા ભળેલા વિસ્તારમાં માળખાકીય વિકાસ કામગીરી ઝડપી થાય તે માટે માત્ર ત્રણ મહિનામાં 100 કરોડ કરતા પણ વધુ રકમની ગ્રાન્ટ આપી છે તેમજ આગામી દિવસમાં પણ વધુ ગ્રાન્ટ મળે તેવી સંભાવના વચ્ચે આગામી 26 મી માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી મોરબી શહેરની મુલાકાતે આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
26ના રોજ સીએમનો રાજકોટ કાર્યક્રમ હોય જેથી આ કાર્યક્રમ પૂર્ણ કરી મોરબી મુલાકાત લે તેવી શક્યતા છે તેમજ શહેરમાં વિકાસ કામની સમીક્ષા કરવા તેમજ મનપા દ્વારા મંજૂર કરેલા કામના ખાત મુર્હુત અને પૂર્ણ થયેલા કામના લોકાર્પણ કાર્યક્રમમાં પણ સામેલ થઈ શકે છે. મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખ શહેરના વિવિધ હોદેદારો અધિકારીઓ સાથે પણ ટૂંકી મુલાકાત લઇ શકે છે. જો કે સીએમના કાર્યક્રમ બાબતે વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી પરંતુ શનિવારે યોજાયેલા એક લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા 26 મી ના રોજ સીએમ ભુપેન્દ્ર પટેલના મોરબી વિઝીટ અંગે જાહેરમાં જણાવ્યું હતું. ધારાસભ્યના દાવા મુજબ તેઓ મોરબી આવશે અને જે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરશે, જે કામ પૂર્ણ થઇ ચૂક્યા છે તેમનું સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવશેે. સીએમની મુલાકાતના પગલે તંત્રમાં કામગીરીનો સંચાર થયો છે. મોરબી મનપા વિસ્તારમાં તંત્ર દ્વારા મુખ્ય માર્ગો પર સફાઈ, રસ્તા પર પટ્ટા મારવા બંધ લાઈટ રીપ્લેશ કરવા સહિતની કામગીરી પણ ઝડપી કરી છે તંત્ર દ્વારા જે રીતે પાછલા બારણે તૈયારી તેજ કરી છે તેઓ જોતા સીએમની મુલાકાતને લઇ તંત્ર એક્શન મોડમાં હોય તેવું પણ ચિત્ર ઉપસી રહ્યું છે.