મનપાના 500 કરોડ અને રૂડાના 75 કરોડના કામના ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ મનપા દ્વારા બ્રિજ, રોડ-રસ્તા અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સહિતના પ્રોજેક્ટ હાથ ધર્યા છે તેમજ રૂડા વિસ્તારમાં વિકાસકામો શરૂ કરાયા છે. આ કામ અંગેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઇ છે જ્યારે અનેક કામો ચાલુ થવાના બાકી છે ત્યારે આ તમામ કામોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત માટે સંભવિત આગામી 26 માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે.
- Advertisement -
26 માર્ચે મુખ્યમંત્રી એક કાર્યક્રમ અંતર્ગત મોરબી આવશે ત્યારબાદ રાજકોટ ખાતે મહાનગરપાલિકા અને રૂડાના 575 કરોડના અલગ-અલગ કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. જેમાં કટારિયા ચોકડી ખાતે 167.25 કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજનું ખાતમૂહુર્ત તેમજ મવડી વિસ્તારમાં 22.34 કરોડના સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું તેમના હસ્તે લોકાર્પણ કરાશે. આ ઉપરાંત રૂડા વિસ્તારના ઘંટેશ્વરથી કોરાટ ચોકડી સુધીના રિંગરોડ-2ના ફોરલેનના 100 કરોડના કામનું ખાતમૂહુર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાશે.
મનપા દ્વારા ત્રણેય ઝોનમાં મોટા પ્રોજેક્ટ તેમજ અન્ય કામોની ટેન્ડર પ્રક્રિયા કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે જે કામો શરૂ થવામાં છે. તેવી જ રીતે છેલ્લા બે વર્ષથી કામ ચાલુ હોય અને તાજેતરમાં પૂર્ણ થયા હોય તેવા પ્રોજેક્ટના લોકાર્પણ સહિતના કામો કરવાના બાકી હોય મુખ્યમંત્રીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જે અનુસંધાને 26 માર્ચે મનપાના 500 કરોડ અને રૂડા વિસ્તારના 75 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે.