3 આરોપી રિમાન્ડ પર: ભગવતીપરામાં ઉઠાવી જઇ માસી સામે 14 વર્ષીય ભાણેજ પર આચર્યું’તું કુકર્મ
ખાસ-ખબર સંવાદદાતા
ભિસ્તીવાડના કુખ્યાત હકુભા ખીયાણીએ વ્યાજે આપેલા પૈસાની વસૂલાત માટે વ્યાજે લેનાર પરિવારના સભ્યના અપહરણ કરી પરિવારજનોની નજર સામે 14 વર્ષની તરુણી પર બબ્બે વખત દુષ્કર્મ આચર્યું હતું. હૃદયને હચમચાવી દેતી આ ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, આરોપીએ કરેલું કૃત્ય અસહનીય છે. ભવિષ્યમાં આવી કોઇ ઘટના બને નહીં તે માટે આ કેસમાં આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે તેમજ 15 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે.
વ્યાજે લીધેલા નાણાં ચૂકવી દેવા છતાં વધુ નાણાં પડાવવા ભિસ્તીવાડના કુખ્યાત હકુભા ખીયાણીએ બે દિવસ પહેલાં 14 વર્ષીય તરુણી પર કુકર્મ આચર્યું હતું. જે બનાવની દુષ્કર્મના બનાવને કમને નજરે નિહાળનાર તરુણીની માસીએ હવસખોર હકુભા, તેનીપત્ની ખતુ, પુત્ર મીરઝાદ, પુત્રવધૂ સોની એઝાઝ સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરમાં વ્યાજે નાણાં આપ્યા બાદ વધુ નાણાં પડાવવા માટે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી, ધમકી, માર માર્યાના બનાવો અગાઉ અનેક પ્રકાશમાં આવ્યા છે. પરંતુ વ્યાજખોરો દ્વારા આવું હીનકૃત્ય કર્યાનો બનાવ પહેલી વખત પ્રકાશમાં આવતા બી ડિવિઝન પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઇ હતી અને ગણતરીના સમયમાં જ ભિસ્તીવાડ-1માં રહેતા અકબર ઉર્ફે હકુભા અબ્દુલ ખીયાણી, તેનો પુત્ર મીરઝાદ અને ભગવતીપરામાં રહેતો જુમા હાસમ ઠેબા નામના શખ્સને ઝડપી લઇ બી ડિવિઝન પોલીસ હવાલે કર્યા હતા. અપહરણ, પોક્સો, ધમકી, એટ્રોસિટીની કલમ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ ચલાવી રહેલા એસીપી આર.એસ.બારિયા, બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોટે ત્રણેય આરોપીની રવિવારે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સોમવારે ત્રણેયને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં અદાલતે ત્રણેયને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કર્યા હતા.
એસીપી બારિયાના જણાવ્યા મુજબ, બનાવમાં એક અજાણ્યા શખ્સની સંડોવણી હોય તેની ઓળખ મેળવવા, ત્રણેય આરોપીઓના મોબાઇલની કોલ ડિટેઇલ ચેક કરવા તેમજ અન્ય મહિલા આરોપીઓને પકડવા રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવશે.
ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ તેમના કાળા કામોના ઇતિહાસ ચેક કરતા કુખ્યાત હકુભા ઉર્ફે અકબર સામે લોધિકા, રાજકોટ પોલીસમાં પ્રોહિબિશન, મારામારી, શાંતિભંગ, તોડફોડ કરવાના ગુના સહિત છ ફરિયાદ, તેના પુત્ર મીરઝાદ સામે લૂંટ, મારામારી અને ગુજસીટોકની ફરિયાદ અને જુમ્મા ઠેબા સામે અકસ્માતની ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે.