ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ઓડદર દરિયાકિનારાથી પોરબંદર પોલીસને મોટી સફળતા મળી છે. કચરાના ઢગલામાંથી 1 લાખ 62 હજારની કિંમતનું 1 કિલો 80 ગ્રામ ચરસના પેકેટ સાથે ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતા ફરી સાબિત થઈ છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અનુસાર પોરબંદર દરિયાકિનારા વિસ્તારમાં એક વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
- Advertisement -
ઓપરેશન દરમિયાન ઓડદર નજીકના દરિયાકિનારે પેટ્રોલીંગ કરી રહી પોલીસ ટીમને કચરાના ઢગલામાંથી ચરસનો જથ્થો મળ્યો, જેને પકડતા જ પોલીસએ હાર્બર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.પ્રાથમિક તારણમાં એવું લાગી રહ્યું છે કે, દેશના દુશ્મનો દ્વારા ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નોને ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાની કારણે સફળ ના થતા, દરિયામાં ફેંકી દેવાયેલ ડ્રગ્સનો જથ્થો દરિયાના પ્રવાહમાં તણાઈને કિનારે આવ્યો હોવાનું માનવામાં આવે છે. પોલીસે પોરબંદરના માછીમાર ભાઈઓ અને જાહેર જનતાને અપીલ કરી છે કે, દરિયાકિનારે કોઈ શંકાસ્પદ પેકેટ અથવા બિનવારસુ ચીજવસ્તુ દેખાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ કંટ્રોલ રૂમ નંબર 0286-2240922 અથવા કોસ્ટલ સિક્યુરિટી ટોલ ફ્રી નંબર 1093 પર જાણ કરવામાં આવે, જેથી ગેરકાયદેસર નશીલા પદાર્થોના જથ્થાની ઘુસતા ફરી રોકી શકાય.