15 જૂન સુધી સવારે 9થી 1 અને સાંજે 4થી 6 વાગ્યા સુધી કામગીરી ચાલશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં તાપમાન 42થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ પરિસ્થિતિમાં લોકોની સુવિધા માટે કલેકટર કચેરી, તમામ જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો, આધારકેન્દ્રો, બેન્ક અને પોસ્ટ ઓફિસના આધારકેન્દ્રોના કામકાજના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નવા સમય મુજબ, આ તમામ કચેરીઓ સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ નવો સમય 21 એપ્રિલથી 15 જૂન 2025 સુધી અમલમાં રહેશે. અગાઉ આ કચેરીઓ સવારે 10:30થી સાંજે 6:10 વાગ્યા સુધી ચાલતી હતી.
નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝાએ જણાવ્યું કે, જાહેર જનતા અને અધિકારી-કર્મચારીઓએ આ નવા સમયની નોંધ લેવી. આ વ્યવસ્થા નવા હુકમ સુધી અમલમાં રહેશે. આ નિર્ણય હીટવેવથી થતી વિપરીત અસરોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.