નાયડુએ કેન્દ્ર સરકારને આપેલા ટેકાની કિંમત વસુલી? પીએમ મોદી પાસે રિફાઇનરી – પેટ્રો. પ્રોજેકટ મંજુર કરાવ્યા
હવે બિહાર શું કરે છે તે જોવાનું રહ્યું: કેન્દ્રને આપી છે લાંબી યાદી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓની બેઠકને માત્ર 5 દિવસ જ થયા છે, કેન્દ્રએ આંધ્રપ્રદેશમાં રૂ. 60,000 કરોડના રોકાણ સાથે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ હબ સ્થાપવાની મુખ્ય માંગણી સ્વીકારી છે. નાયડુએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા અને રાજયમાં રિફાઈનરી સ્થાપવાની શક્યતા અંગે ચર્ચા કરી હતી. હવે લોકોની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર છે. કારણ કે કેન્દ્ર સરકારમાં TDPની સાથે JDUની પણ મહત્વની ભૂમિકા રહી છે.
ઈકોનોમિક ટાઈમ્સે તેના એક અહેવાલમાં જાણકાર લોકોને ટાંકીને કહ્યું કે રિફાઈનરી માટે ત્રણ સ્થળો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શ્રીકાકુલમ, માછલીપટ્ટનમ અને રામાયપટ્ટનમનો સમાવેશ થાય છે. રિફાઈનરીની ઔપચારિક જાહેરાત 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં થવાની શક્યતા છે, એમ લોકોએ જણાવ્યું હતું. સ્થાનોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને પછી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે અને બજેટમાં તેની જાહેરાત થઈ શકશે નહીં. ચંદ્રબાબુ નાયડુ માટે આ એક મોટી જીત છે, કારણ કે તેમણે પીએમ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી સાથેની બેઠક દરમિયાન રિફાઈનરી સ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો. નાયડુના 16 સાંસદો ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને સમર્થન આપે છે. જો કે, નાયડુ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેઓ તેમના રાજયના હિતોને ધ્યાનમાં રાખે છે અને તેઓ કોઈપણ માંગ સાથે સરકારને તોડી નાખશે નહીં.
- Advertisement -
BPCL અને પેટ્રોલિયમ મંત્રાલય હાલમાં આ પગલા અંગે મૌન છે. સીએમ નાયડુએ ટ્વિટર પર લખ્યું, ‘દેશના પૂર્વ કિનારે વ્યૂહાત્મક રીતે સ્થિત અમારૂં રાજય નોંધપાત્ર પેટ્રોકેમિકલ ક્ષમતા ધરાવે છે. આજે હું ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કૃષ્ણ કુમારના નેતૃત્વમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્રતિનિધિઓને મળ્યો. અમે રોકાણ કરવાની યોજના બનાવી છે. આંધ્રપ્રદેશમાં રૂ. 60-70 હજાર કરોડના રોકાણ સાથે મેં રાજયમાં વિગતવાર યોજના સાથેનો અહેવાલ માંગ્યો છે. આ પ્રોજેક્ટ માટે લગભગ 5000 એકર જમીનની જરૂર પડશે, જે સરકાર કોઈપણ મુશ્કેલી વિના પૂર્ણ કરવાની આશા રાખે છે.’
બિહારે નવ એરપોર્ટ, ચાર નવી મેટ્રો લાઇન અને સાત મેડિકલ કોલેજો સાથે રૂ. 200 બિલિયનના થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવા માટે નાણાંની માંગણી કરી છે. 20,000 કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાઓના સમારકામ માટે અલગ પેકેજની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત બિહારને વિશેષ રાજયનો દરજ્જો આપવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં બિહારને લઈને બજેટમાં કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે.