ચાંદીપુરા વાઇરસ માટે ગુજરાત સરકાર મેડિકલ કમિટી બનાવે
ચાંદીપુરા વાઇરસ જે માખીથી થાય છે તે ખાસ કરીને છાણથી લીપેલા ઘરોમાં જ્યારે બહુ ગરમીને કારણે તિરાડો પડે છે ત્યારે એમાં જોવા મળે છે અને તેથી જ આ વાઇરસ ગામડાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે – જય નારાયણ વ્યાસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. હાલ ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાઇરસ હવે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ બેકાબૂ બનવાની તૈયારી કરી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ કેસ 35 અને મૃત્યુઆંક વધીને 21 થયો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં પણ જોવા મળી રહી છે.
ગુજરાતમાં વર્ષ 2010માં પણ ચાંદીપુરા 17 બાળકને ભરખી ગયો હતો. આ સમયે રાજ્યમાં નરેન્દ્ર મોદીની સરકાર હતી અને આરોગ્ય મંત્રી હતા જયનારાયણ વ્યાસ. ચાંદીપુરા વાઇરસ મામલે સરકારે કેવા કેવા પગલા લેવા જોઇએ તે સવાલના જવાબમાં પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું કે, ગામડાઓ તથા શહેરોમાંથી નવા નવા કેસ આવી રહ્યા છે ત્યારે બાળકોને જે મોતના મુખમાં જતા બચાવવા હોય તો ગુજરાત સરકારે સૌથી પહેલા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવા અને વાઇરસને લઈ સામાન્ય જાણકારી આપવી જરૂરી છે.સૌથી પહેલા સરકારે ડોક્ટર અતુલ પટેલ જેવા અનુભવી વાઇરોલોજિસ્ટની આગેવાનીમાં એક નિષ્ણાંતોની કમિટી બનાવવી જોઈએ. આ કમિટી એક પ્રોટોકોલ બનાવે જે નાનામાં નાના સરકારી દવાખાના સુધી પહોંચે, જેથી વધુમાં વધુ લોકોને આપણે બચાવી શકીએ. જય નારાયણ વ્યાસે પોતાના આરોગ્ય મંત્રી તરીકેના 2010ના કાર્યકાળમાં ચાંદીપુરા વાઇરસથી થયેલા 17ના મોત સમયે આખી સ્થિતિ કેવી રીતે હેન્ડલ કરી હતી તે અંગે જણાવ્યું કે, કોઈપણ વાઇરસની જેમ ચાંદીપુરા વાઇરસ પણ સાયક્લિક હોય છે અને તે થોડાં થોડાં સમયે પાછો આવતો હોય છે. કમિટી અને પ્રોટોકોલ અંગે જણાવ્યું કે, મારો જે અનુભવ છે તે પ્રમાણે હું કહી શકું કે ચાંદીપુરા વાઇરસમાં તાવ કરતા પણ ઝાડા બહુ જ મોટું લક્ષણ છે. આમા જે ઝાડા થાય છે તે ખૂબ જ ભયંકર થાય છે અને તેમાં ઝાડાની વાસ પણ અતિ તીવ્ર હોય છે.
- Advertisement -
જો આ બે વાત પ્રોટોકોલ બનાવીને સૌથી પહેલા પ્રાઇમરી હેલ્થકેરના સ્ટાફને સમજાવીને ગામડે ગામડે ચેક કરવામાં આવે અને શંકાસ્પદ લગતા કેસને તુરંત સારવાર મળે તો આપણે બાળકોને બચાવી શકીએ.